Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ SGVP ગુરુકુળ ખાતે ભગવાનની સંધ્યા આરતી ઉતારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની SGVP ગુરુકુળ, મેમનગર દ્વારા આયોજિત રથયાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિતિ

ભગવાનના આશીર્વાદ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ માર્ગદર્શનને કારણે વાવાઝોડામાંથી હેમખેમ ઊગર્યા: શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ SGVP ગુરુકુળ, મેમનગર ખાતે રથયાત્રા સમાપનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સહુને અષાઢી બીજની શુભેચ્છઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ગુરુકુળ દ્વારા આયોજિત આ ૧૬મી રથયાત્રા છે. પરંતુ મુખ્યમંત્રી બન્યા પહેલા પણ રથયાત્રાની આ પરંપરા શરૂ થઈ ત્યારથી સામેલ થતા આવ્યા હોવાનો આનંદ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીશ્રએ જણાવ્યું હતું કે આજે જમાલપુરના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર ખાતેથી ૧૪૬મી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને અહીં રથયાત્રાનું સમાપન કરાવવાનું સદભાગ્ય મળ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે ભારતીય સંસ્કૃતિ અને વારસા પર દરેકને ગૌરવ હોવું જોઈએ. રથયાત્રા થકી આ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. વર્ષમાં માત્ર આ જ અવસર એવો છે,  જ્યારે પ્રભુ સામે ચાલીને  નગરજનોને દર્શન આપવા પધારતા હોય છે. ત્યારે આ વિસ્તાર લોકોને પણ ભગવાનના દર્શન થાય તેવી સુગમતા બાલકૃષ્ણ સ્વામીએ આ રથયાત્રા શરૂ કરીને કરી આપી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતમાંથી પસાર થયેલા વાવાઝોડામાંથી ઝીરો કેઝ્યુલ્ટી સાથે બહાર આવ્યા તે ભગવાનના આશીર્વાદ વગર શક્ય નથી. સાથોસાથ આ કુદરતી આપત્તિમાંથી ઉગરવામાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સતત માર્ગદર્શન મળતું રહ્યું.

આવનારા સમયમાં પણ ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે, તેવી શુભ ભાવના તેમણે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે SGVP ગુરુકુળ દ્વારા ૧૬મી રથયાત્રા અને સ્વામી ધર્મજીવન દાસજીના ૧૨૨મા જન્મદિન સમારોહનું આયોજન મેમનગર સ્થિત ગુરુકુળ પરિસરમાં કરાયું હતું. જ્યાં મુખ્યમંત્રીશ્રીએ રથયાત્રાના સમાપન પ્રસંગે આરતી તથા પૂજન-અર્ચન કર્યા હતા.

આ પ્રસંગે ગુરુકુળ તરફથી શાબ્દિક સ્વાગત કરતા પુરાણી શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી પોતાનો પરિવાર સમજી આજે પધાર્યા તેનો સૌથી મોટો આનંદ છે.

તેઓએ મુખ્યમંત્રીશ્રીને અજાતશત્રુ ગણાવી કહ્યું કે તેઓ સતત જાગૃત રહેનાર મુખ્યમંત્રી છે. બિપરજોય વાવાઝોડામાં જાનહાનિ ટળી એ તેમની જાગૃતતા અને સક્રિયતાનું પરિણામ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આજના સમારોહમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ તથા સ્થાનિક કાઉન્સિલર્સ અને મોટી સંખ્યામાં સંત્સંગી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.