શહેરમાં ઓક્ટોબરમાં રોજના ડેન્ગ્યૂ અને ટાઈફોઈડના ૧૬-૧૬ કેસ નોંધાયા
અમદાવાદ, શહેરમાં ઓક્ટોબર માસમાં પણ રોગચાળાના કેસો સતત સામે આવી રહ્યા છે. ઓક્ટોબર માસના પાંચ દિવસના ગાળામાં જ શહેરમાં ડેન્ગ્યૂના ૮૧ અને ટાઈફોઈડના ૭૯ કેસ નોંધાયા છે. આમ, ડેન્ગ્યૂ અને ટાઈફોઈડના રોજના સરેરાશ ૧૬- ૧૬ કેસ સામે આવી રહ્યા છે.
આ ઉપરાંત કમળાના પણ પાંચ દિવસમાં ૫૮ કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળાના કેસો વધતા પાણીના નમુના લઈ તપાસ માટે મોકલાયા હતા. જેમાં ચાલુ માસમાં ૧૪ સેમ્પલ અનફીટ જાહેર થયા છે.
શહેરમાં ઓક્ટોબર માસની શરૂઆત બાદ પણ મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનો કહેર ચાલુ રહેવા પામ્યો છે. ઓક્ટોબર માસના પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં શહેરમાં ડેન્ગ્યૂના ૮૧ કેસ સામે આવ્યા છે.
આમ, રોજના સરેરાશ ૧૬ જેટલા કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત પાંચ દિવસમાં ચિકનગુનીયાના પણ ૧૦ કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરીયાના ૪ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ડેન્ગ્યુના ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ૧૭૦૧ કેસ નોંધાઈ ચુક્યા છે. ડેન્ગ્યુના કેસોની સંખ્યા વધતા કોર્પાેરેશન દ્વારા ચાલુ માસમાં ૯૫૨ સરીમ સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
મચ્છરજન્ય રોગચાળા સામે પાણીજન્ય રોગચાળાના કેસો ખુબ જ વધુ જોવા મળ્યા છે. ઓક્ટોબર માસના પાંચ દિવસમાં ટાઈફોઈડના ૭૯ કેસ સામે આવ્યા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના પણ ૬૩ કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત કમળાના ૫૮ કેસ નોંધાયા છે.
પાણીજન્ય રોગચાળાના કેસો વધતા કોર્પાેરેશન દ્વારા ચાલુ માસમાં ૧૧૬૫ જેટલા પાણીના નમુના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૧૪ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. ચાલુ વર્ષ દરમિયાન ૧૧૨૦ જેટલા પાણીના નમુના અનફીટ જાહેર થયા હોવાનું સામે આવ્યું છે.SS1MS