Western Times News

Gujarati News

AMC ડ્રેનેજ વિભાગના સીટી ઈજનેરને કમિશનરે આડા હાથે લીધા  

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક લોકો કટાક્ષમાં આ “સાહેબ”ને ચિઠ્ઠીવાળા સાહેબ કહે છે- રાજકોટની દુર્ઘટના મામલે રીવ્યુ બેઠકમાં સઘન ચર્ચા

(પ્રતિનિધિ) અમદાવાદ, ચોમાસાના આગમન આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ હજી ગાઢ નિંદ્રા માં હોય તેમ લાગી રહ્યું છે. દર વરસે જૂન મહિનાની શરૂઆત પહેલા જ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન ની કામગીરી લગભગ પૂર્ણ થઈ જાય છે પરંતુ ચાલુ વરસે કઈંક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે.

કામની બેદરકારી મામલે નાના અધિકારીઓ કમિશનર સમક્ષ ગોળ-ગોળ વાતો કરે ત્યાં સુધી સમજી શકાય પરંતુ સમગ્ર શહેરને ડૂબતા બચાવવાની જવાબદારી જેના શિરે છે તેવા ઇન્ચાર્જ સીટી ઈજનેર ( વો.રિ.) કમિશનર ને ગેરમાર્ગે દોરી ખોટી માહિતી આપતા હોવાની વિગતો બહાર આવી છે.  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક લોકો કટાક્ષમાં આ ” સાહેબ”ને ચિઠ્ઠીવાળા સાહેબ પણ કહે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ના અધ્યક્ષપદે મળેલી વિકલી રીવ્યુ બેઠકમાં ડ્રેનેજ – પાણી વિભાગ નો નવો જ ચહેરો સામે આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરી ની વિગતો માંગી હતી. ત્યારે જવાબદાર ઇન્ચાર્જ સીટી ઇજનેર વિજય પટેલ ઘ્વારા કેટલાક ડેટા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલી કેચપીટની સફાઇ થઇ તેવી સામાન્ય માહિતી હતી.

સદર ડેટા ના અભ્યાસ બાદ કમિશનરે જે કેચપીટની સફાઇ થઇ તેની લંબાઈ કેટલા કિ.મી.હશે ? તેવા પ્રશ્ન કર્યા હતા.જે અંગે સીટી ઈજનેર જવાબ આપી શક્યા ન હતા. આ ઉપરાંત કમિશનરે એવું પણ પુછ્યું હતુંકે, કેટલા કિ.મી. લંબાઇની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સીસ્ટમની સફાઇ થઇ? તે બાબતે પણ તેઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. તેમણે એટલું જ કહયું હતુંકે, જે વિસ્તારમાં પાણી ભરાવાના સ્થળ છે તે સ્થળે જ કેચપીટ સફાઇ કરાવવામાં આવી છે.

જો કે સિવાય અન્ય સ્થળે કે તેની આસપાસના વિસ્તારમાં કેચપીટની સફાઇ કેમ નથી થઇ? તે બાબતે પણ સ્પષ્ટતા થઇ શકી ન હતી. જેને પગલે મ્યુનિ. કમિશનરે આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે એવું પણ પુછ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટે જે વરસાદી નાળા શહેરમા છે  તેમાં સફાઇ સહિતની શું સ્થિતિ છે? તેમાં પણ કોઇ જવાબ આપી શકાયો ન હતો.

પરિણામે મ્યુનિ. કમિશનરે ભારે નારાજગી સાથે આ પ્રિમોન્સુન કામગીરીને અધુરી ગણાવી હતી. તેમજ ઇન્ચાર્જ સીટી ઇજનેરને સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે માત્ર વાર્તા કરી રહ્યા છો તેમજ  હવે તમે નહી તમારા ડીવાયએમસી દ્વારા જ મારી સમક્ષ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા તમામ સિનિયર અધિકારીઓને ઓવરટેક કરી વિજય પટેલને પાણી- ડ્રેનેજ વિભાગના ઇન્ચાર્જ સીટી ઈજનેર બનાવવામાં આવ્યા છે. જેને ” ચિઠ્ઠી” કે રાજકીય નિમણૂક હોવાના કટાક્ષ-આક્ષેપ થઈ રહયા છે.

મ્યુનિસિપલ કમિશનરે સફાઈ મામલે પણ સમીક્ષા કરી હતી. જેમાં ઇસનપુર- વટવા વોર્ડ અને કોટ વિસ્તારના આસી.કમિશનરે નિષ્ફળતા પર ઢાંક-પીછોડૉ કરવા પ્રયાસ કર્યા હતા. તેથી કમિશનરે તેમને પણ આડા હાથે લીધા હતા તેમજ જણાવ્યું હતું કે વોર્ડ કક્ષાએ તમામ સતા આસી.કમિશનર ને આપવામાં આવી છે તેમ છતાં ખોટા કારણો આપવામાં આવી રહયા છે જે યોગ્ય નથી.

મ્યુનિસિપલ કમિશનરે રાજકોટ દુર્ઘટના અંગે પણ સઘન ચર્ચા કરી હતી. શહેરમાં જેટલી પણ નાની મોટી બિલ્ડીંગો મોટા ગેમ ઝોન અને જ્યાં સૌથી વધુ ભીડ થતી હોય એવા સ્થળો ઉપર ફાયર એનઓસીની ચકાસણી કરવા સુચના આપી છે. કેટલાક કિસ્સામાં ફાયર એનઓસી હોવા છતાં પણ ફાયર સિસ્ટમ કામગીરી કરતી નથી. જેથી સિસ્ટમ કામ કરે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે.

શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગો બિયુ વિનાની અને પ્લાન પાસ વિના હોય છે જેથી આવી બિલ્ડિંગો પણ પ્લાન પાસ સાથે કે બી યુ વિના ચાલે છે તે અંગેની તપાસ કરવા પણ સૂચના આપી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને આગામી રથયાત્રાને લઈને ભયજનક મકાનોના સર્વે કરવા સૂચના આપી હતી જોકે માત્ર સર્વે કરી અને જ્યાં ભયજનક મકાન હોય ત્યાં નોટિસ ચોંટાડીને પરત આવવા નહીં પરંતુ ત્યારબાદ આ મકાનને દૂર કરવા કે રીપેરીંગ કરવા માલિકોને સુચના આપવા પણ જણાવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.