ક્રિપ્ટો કરન્સીનાં નામે રોકાણકારોના કરોડો લઈ કંપની બંધ કરી દીધી
વિશ્વાસ અપાવી લાખ્ખો રૂપિયાનું એજન્ટ મારફતે રોકાણ કરાવી મલેશિયા અને શ્રીલંકા સહિત વિદેશ ટૂર કરાવી હતી
મોડાસા, મોડાસા શહેર સહિત અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાં બિલાડીની ટોપની માફક ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ સામે વાર્ષિક ૩૬ થી ૪૮ ટકા વ્યાજ ચુકવણી કરવાના જોરશોથી વાયદા કરી કરોડો રૂપિયાનું રોકાણ મેળવી રહ્યા છે. રોકાણકારોને લલચાવવા એજન્ટો અને દલાલો મારફતે ઝાકમજોળ પાર્ટીઓ યોજવામાં આવી રહી છે.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં લાલચુ અને લોભિયા લોકો મૂડી રોકાણ પર બેન્ક કરતા વધુ વ્યાજ કે વળતર મેળવવામાં પરસેવાની કમાણીના રૂપિયા લોભામણી જાહેરાતોમાં આવી ડૂબાડી ચૂકયા છે.
મોડાસા શહેર સહિત બન્ને જિલ્લામાં બે વર્ષ અગાઉ સોશિયલ મીડિયાનો ફાયદો ઉઠાવી એક કંપની અને તેના ડિરેકટરોએ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની સામે તગડો નફો કે પછી માસિક, વાર્ષિક વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારોને શરૂઆતમાં રોકાણ સામે દર મહિને બેન્ક એકાઉન્ટમાં સીધા રૂપિયા જમા કરાવી તેમજ ચેક આપવામાં આવ્યા હતા.
રોકાણકારોને જ એજન્ટ બનાવી મસમોટું કમિશન આપી લલચાવતા એજન્ટો તેમની જવાબદારીનો વિશ્વાસ અપાવી લાખ્ખો રૂપિયાનું એજન્ટ મારફતે રોકાણ કરાવી મલેશિયા અને શ્રીલંકા સહિત વિદેશ ટૂર કરાવી હતી
ત્યારબાદ ધીરે ધીરે રોકાણની સામે વળતર આપવામાં ગલ્લા તલ્લા કરી કરોડો રૂપિયા મૂડી રોકાણકારોના ખંખેરી હાથ અદ્વર કરી લેતા મોડાસા શહેર સહિત અરવલ્લી- સાબરકાંઠા જિલ્લાના અઢીથી ત્રણ કરોડ રૂપિયા સલવાઈ ગયા છે.