રવિના ટંડન સામેની ફરિયાદ જૂઠીઃ પોલીસ તપાસમાં ખુલાસો
મુંબઈ, રવિના ટંડને દારૂના નશામાં ધૂત થઈને વૃદ્ધા સહિત ત્રણ મહિલા સાથે મારપીટ કરી હોવાના આરોપ લાગ્યા હતા. રવિનાની કારે વૃદ્ધાને અડફેટે લીધી હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ ઘટનામાં મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી હતી અને રવિના સામે થયેલી ફરિયાદ પાયા વિહોણી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, રવિનાની કારે કોઈને ટક્કર મારી ન હતી અને ઘટના સમયે રવિના દારૂ પીધેલી હાલતમાં ન હતી. વિવાદાસ્પદ વીડિયોમાં મોહંમદ નામના શખ્સે આરોપ લગાવ્યો હતો કે, શનિવારે રાત્રે દારૂના નશામાં રવિનાએ તેમની માતા સાથે મારપીટ કરી હતી.
રીઝવી લો કોલેજ નજીક રવિનાની ગાડી તેમની માતા સાથે ટકરાઈ હતી. આ કારને એક્ટ્રેસનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. ડ્રાઈવરને સાચવીને ચલાવવાનું કહેતા રવિના ટંડન ગાડીની બહાર આવી ગઈ હતી અને તેમની માતા સાથે મારપીટ કરી હતી.
આ ઘટના બની ત્યારે ફરિયાદીની માતા સાથે તેમની બહેન અને ભાણી પણ હતા. રવિનાએ માર માર્યાે હોવાથી પોતાની માતા અને ભાણીના માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાનો આરોપ મોહંમદે લગાવ્યો હતો. આ બનાવ અંગે મુંબઈ પોલીસના ડીસીપી રાજતિલક રોશને જણાવ્યું હતું કે, વીડિયોમાં થયેલી ફરિયાદ ખોટી હતી. સમગ્ર સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.
રવિનાનો ડ્રાઈવર કાર રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે આ પરિવાર પસાર થતો હતો. પરિવારે કાર અટકાવી હતી અને ડ્રાઈવરને રિવર્સ લેતાં પહેલા કોઈ આવે છે કે નહીં તે જોવા કહ્યું હતું. જેના પગલે બંને વચ્ચે દલીલો થઈ હતી. કાર રિવર્સ લેવાતી હતી ત્યારે આ પરિવાર કારની ખૂબ નજીક હતો પરંતુ કાર કોઈની સાથે અથડાઈ ન હતી.
કાર અથડાઈ જશે તેવું માનીને આ પરિવાર ગુસ્સે ભરાયો હતો. બોલાચાલીના પગલે ટોળું ભેગું થઈ ગયું હતું. દલીલો ઉગ્ર બનતાં રવિના કારમાંથી બહાર આવી હતી અને પોતાના ડ્રાઈવરને ટોળાંથી બચાવવા પ્રયાસ કર્યાે હતો. ટોળાએ રવિના સાથે પણ ખરાબ વ્યવહાર કર્યાે હતો. રવિના ટંડન અને વિવાદાસ્પદ પરિવાર ખાર પોલીસ સ્ટેશનમાં સામ-સામી ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો.
લેખિત ફરિયાદ આપ્યા બાદ બંનેએ ફરિયાદ પાછી ખેંચવાની લેખિત રજૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર રવિના ટંડનને બદનામ કરતો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ તપાસમાં સમગ્ર હકીકત ઉજાગર થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં રવિના ટંડનના ડ્રાઈવરનો વાંક ન હોવાનું સાબિત થયું હતું.
રવિના ટંડન નિર્દાેષ સાબિત થયા બાદ કંગના રણોત મેદાનમાં આવી છે. કંગનાએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતા આ કિસ્સાને લાલબત્તી સમાન ગણાવ્યો હતો. સામેના જૂથમાં ૫-૬ લોકો વધારે હોત તો મોબ લિન્ચિંગ થઈ શકત. આ પ્રકારે આક્રમક વ્યવહારની નિંદા થવી જોઈએ. જાહેરમાં હિંસક અને ઝેરી વર્તન કરનારા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.SS1MS