Western Times News

Gujarati News

રાજ્યના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે

વડોદરા જિલ્લાના ચાણસદમાં નારાયણ સરોવરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ – સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

·     આ વર્ષે બજેટમાં અમૃત ૨.૦ અંતર્ગત તળાવોના વિકાસ અને પાણી-પુરવઠાના કામો માટે   રૂ. ૧૪૫૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે

·     પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને તેનો સંગ્રહ કરવો જોઈએ

·     રાજ્યમાં નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું

·     વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર અવિરત કાર્યરત રહેશે

રાજ્ય સરકારના રૂ. ૧૦ કરોડના અનુદાન સહિત કુલ રૂ. ૨૭ કરોડના ખર્ચે નારાયણ સરોવરનું નિર્માણ

પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એવા ચાણસદમાં આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,  ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ – સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને રાજ્યના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે બજેટમાં અમૃત ૨.૦ અંતર્ગત તળાવોના વિકાસ અને પાણી-પુરવઠાના કામો માટે રૂ. ૧૪૫૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને તેને સંગ્રહ કરવાનો અનુરોધ શ્રી પટેલે જણાવ્યું કે, ભગવાન મહાવીરે પણ પાણીને ઘીની જેમ વાપરવાની સલાહ આપી છે.

વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ વડોદરા જિલ્લાના ચાણસદમાં ગુજરાત પ્રવાસન નિગમ લિ. તથા બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંયુક્ત સહયોગથી નિર્માણ પામેલ નારાયણ સરોવરનું  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ વિધાન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સાધુ-સંતના શિખર અને આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળે નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા તેમણે ધન્યતા અને સદ્ભાગ્યની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના શૈશવકાળના સંસ્મરણો ધરાવતા આ તળાવનું રિડેવલેપમેન્ટ રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને બી.એ.પી.એસ. સંસ્થાના સહકારથી કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દીર્ઘદ્રષ્ટા છે, તેવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તેમના નેતૃત્વમાં કોઈ પણ સમસ્યા આવે તે પહેલા તેમાંથી બહાર નીકળવાનો રોડમેપ તૈયાર કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ડબલ એન્જિન સરકારનો નાગરિકોને લાભ મળી રહ્યો છે. દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી નલ સે જલ યોજના અંતર્ગત પહોંચાડવામાં આવી રહ્યું છે.

શ્રી પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર અવિરત કાર્યરત રહેશે. તેમણે બી.એ.પી.એસ સંસ્થાના સમાજસેવાના કાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થાએ રાજ્ય સરકારની સાથે રહીને પ્રજાજનો માટે અનેકવિધ કાર્યો કરવા સાથે કોરોનાકાળમાં પણ લોકસેવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ નારાયણ સરોવરને હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ગણાવી જણાવ્યું હતું કે, પવિત્ર ભૂમિ ચાણસદમાં આવેલા નારાયણ સરોવરના બ્યુટીફીકેશનથી લાખો પર્યટકોને લાભ મળશે. પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે, સ્વામીજીએ વિશ્વશાંતિ માટે સેવાકાર્યોનો અનોખો ચીલો ચાલુ કર્યો હતો. સંસ્કારયુક્ત શિક્ષણ પર ભાર આપીને સ્વામીજીએ કરોડો યુવાનોની કારકિર્દીને ઉજ્જવળ બનાવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

સાંસદ શ્રી નરહરિભાઈ અમીને  જણાવ્યું કે રાજય સરકારના પ્રવાસન વિભાગના રૂ.૧૦ કરોડના અનુદાન અને સંસ્થાના રૂ.૧૭ કરોડ સહિત કુલ રૂ.૨૭ કરોડના ખર્ચે નારાયણ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આગામી સમયમાં ગામમાં આરોગ્ય,શિક્ષણ અને મહિલાના  પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

બી.એ.પી.એસ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ માં નિર્માણ થયેલ નારાયણ સરોવર એટલે કે શાંતિનું ગામ  વિશ્વ શાંતિનું કેન્દ્ર બિંદુ બની રહેશે.ચાણસદના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતાં સ્વામીશ્રીએ ઉમેર્યું કે પૂર્વાપરના પુણ્યથી ગુરૂહરિ પ્રમુખસ્વામી અહી પ્રગટ થયા હતા.ચાણસદ ગામે અવતારી અને દિવ્ય પુરુષ અને પવિત્ર સંત આપ્યા છે,જે આજે વિશ્વ માટે ભેટ બનીને બેઠું છે.તેમણે નારાયણ સરોવરની વિકાસ ગાથાની વિગતો આપી રાજય સરકારના પ્રવાસન વિભાગના સહયોગ બદલ આભાર વ્યકત કર્યો હતો.

આ પાવન અવસરે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ,મેયર શ્રી નિલેશ રાઠોડ,, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ચૈતન્યસિંહ ઝાલા,ચૈતન્યભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, પદાધિકારીઓ,બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક ઈશ્વરચરણ  સ્વામી,વરિષ્ઠ સંતશ્રી ભક્તિપ્રિયદાસ સ્વામી, સંતો હરિભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.