૧.૫૦ કરોડનું સોનું છૂપાવી લાવનારા આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા
અમદાવાદ, શરીરના ગુપ્ત ભાગમાં ૧.૫૦ કરોડનું સોનું છૂપાવી લાવવાના કેસમાં આરોપીના જામીન મેટ્રોકોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલે નોંધ્યું હતું કે, આરોપી સામે તપાસ જારી છે, આરોપીએ ગુનામાં સક્રિય રોલ ભજવ્યો છે, આ પ્રકારની દાણચોરીને કારણે દેશના અર્થતંત્ર પર અસર થાય છે ત્યારે આરોપીને જામીન આપવા ન્યાયોચિત જણાતુ નથી.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનું સોનું આવવાનું હોવાની બાતમીના આધારે ડીઆરઆઈએ સઘન વોચ ગોઠવી ત્યારે એરપોર્ટની ગ્રીન ચેનલ દ્વારા મુર્તઝા અલી ભોપાલવાલા અને ફરીદા ભોપાલવાલા બહાર નીકળવાનો પ્રયાસ કરતા ડીઆરઆઈને શંકા ગઈ હતી.
આ મામલે ડીઆરઆઇએ બન્નેને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી આરોપી મુર્તઝા અલી ભોપાલવાલાએ જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે, તપાસમાં સહકાર આપ્યો છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.
જોકે, સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મુર્તઝા અલી ભોપાલવાલા અને ફરીદા ભોપાલવાલાને ડોર ળેમમાંથી પસાર કરવામાં આવતા ગ્રીન ચેનલ પાસે મેટર ડિટેકટર મશીનમાં કશું દેખાતું નહોતું. આ પછી ડીઆરઆઈના અધિકારીઓએ બન્ને જણાની સઘન પૂછપરછ કરતા તેમને કબૂલાત કરી હતી કે, ગુપ્ત ભાગમાં છૂપાવેલી કેપ્સુલમાં પેસ્ટ સ્વરૂપમાં દાણચોરીનું સોનું છૂપાવ્યું છે.
ડીઆરઆઈના અધિકારીઓએ ગુપ્ત ભાગમાંથી કેપ્સુલ કઢાવી હતી. જેમાં આરોપીઓ પાસેથી ૨૦૯૪.૧૫ ગ્રામ સોનું કબજે કરવામાં આવ્યું હતું. જેની બજાર કિંમત ૧.૫૦ કરોડ થાય છે. આમ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી મુર્તઝાના જામીન ફગાવી દીધા છે.SS1MS