કોર્પોરેટર ઉપર ફાયરીંગ કરનાર ચાર આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા
કોર્ટનું અવલોકન હતું કે,આરોપીઓ ગેરકાયદેસર મંડળીના સભ્યો છે અને સમાન ઈરાદાથી કૃત્ય કરેલ છે
અમદાવાદ , અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં જમીન વિખવાદમાં બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસલીમ આલમ તીરમીજી પર ફાયરીંગ કરવાના કેસમાં પકડાયા હતા. પકડાયેલા બુરહાન ફ્ઝલુદ્દીન સૈયદ, મુફીસ ફ્ઝલુદ્દીન સૈયદ અને ઉરમત અલી અને હુરમતઆલમ નક્કીઆલમ તીરમીઝીની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.એમ. બ્રહ્મભટ્ટે ફગાવી દીધી છે.
કોર્ટનું અવલોકન હતું કે,આરોપીઓ ગેરકાયદેસર મંડળીના સભ્યો છે અને સમાન ઈરાદાથી કૃત્ય કરેલ છે. આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે અન હાલમાં તપાસ ચાલુ છે. આ કેસમાં સીસીટીવી ફુટેજ ધ્યાને લેતાં ફાયરીંગ થયેલાનું રેકર્ડ ઉપર જણાય છે.જેથી આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવી ન્યાયોચિત જણાય છે.
શહેરના શાહઆલમ વિસ્તારમાં છેલ્લા ૨૭ વર્ષથી ચાલતા જમીન વિવાદમાં તાજેતરમાં સમાધાન થયા બાદ બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસલીમ આલમ તીરમીજી અને તેના ભાઇ નકીઆલમ તીરમીજીએ આ જમીન ખરીદી હતી.
થોડા સમય પહેલાં જ જમીનના ભાગ પાડવાની બાબતે થયેલા મનદુઃખ અને તકરારમાં બંને ભાઇઓ વચ્ચેનો અણબનાવ વધ્યો હતો. અને નકીઆલમ તીરમીજીએ અન્ય આરોપીઓ સાથે મળી તેના મોટાભાઇ એવા બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસલીમ આલમ તીરમીજી પર ફાયરીંગ અને હુમલો કર્યો હતો. આ કેસમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ હતી.
ઇસનપુર પોલીસે બુરહાન ફ્ઝલુદ્દીન સૈયદ, મુફીસ ફ્ઝલુદ્દીન સૈયદ અને ઉરમત અલી અને હુરમતઆલમ નક્કીઆલમ તીરમીઝીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા.પકડાયેલા ચારેય આરોપીઓએ જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેમાં ફરીયાદીના એડવોકેટ ગુલાબખાન પઠાણએ જામીન અરજીનો લેખિતમાં વાંધા અરજી કરી, કોર્ટને જણાવ્યુ હતું કે, આરોપીઓ ગેરકાયેદસ મંડળી બનાવીને જાહેરમાં ફાયરીંગ કર્યુ છે.
આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને હાલમાં તપાસ ચાલુ છે.આ કેસમાં સીસીટીવી ફુટેજ ધ્યાને લેતાં ફાયરીંગ થયેલાનું રેકર્ડ ઉપર આવ્યું હતું. ફાયરીંગ જેવા ગંભીર ગુનાને હળવાશથી લેવામાં આવે તો સમગ્ર સમાજને વિપરિત પરિણામ ભોગવવાનું આવે. આરોપીઓએ ફરીયાદીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.તેથી આરોપીઓની જામીન અરજી ફ્ગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે ચારેય આરોપીઓની જામીન અરજી ફ્ગાવી દીધી છે.