અમદાવાદના આ પાંચ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાંચે રેડ કરી દારૂ-હથિયારનો જથ્થો જપ્ત કર્યાે
સરખેજ, નિકોલ, દરિયાપુર, અમરાઈવાડી, નરોડામાં દરોડા પાડી દારૂના ત્રણ અને હથિયારના ચાર કેસ કર્યા
અમદાવાદ, રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સી એર્ટ મોડ પર આવીગઇ છે. સોમવારે ક્રાઈમ બ્રાંચ એક્શન મોડ પર આવી ગઈ હતી
અને શહેરના સરખેજ, નિકોલ, દરિયાપુર, અમરાઈવાડી, નરોડામાં રેડ કરીને હથિયાર તેમજ દારૂનો જથ્થો જપ્ત કર્યાે છે. ક્રાઈમ બ્રાંચે દારૂના ત્રણ કેસ કર્યા છે જ્યારે હથિયારના ચાર કેસ કર્યા છે. સાત કેસ પૈકી એક કેસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)એ કર્યાે છે.
ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે સરખેજ ગામમાં આવેલી ખુલ્લી જગ્યામાં દારૂનું કટિંગ થાય છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ૧,૩૪૧ દારૂ-બિયરની બોટલ જપ્ત કરી છે. ક્રાઈમ બ્રાંચે આ મામલે અલતાફહુસેન, મહંમદ સલિમ, સોહિત ડામોર, સુંદર અહારી અને રવીન્દ્ર ભગોરાની ધરપકડ કરી છે.
આ સિવાય ક્રાઈમ બ્રાંચની ટીમે નિકોલમાં રેડ કરી હતી અને કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યાે હતો. નિકોલ રિંગરોડ પર ક્રાઈમ બ્રાંચે સ્વિફ્ટ કારમાંથી ૪૪૪ દારૂ-બિયરની બોટલ જપ્ત કરી હતી જેની સાથે ગિરીશસિંહ રાજપૂત, વિશાલ પટેલ અને હરીશ મેઘવાલની ધરપકડ કરી છે.
દારૂની બોટલો જિતેશ ઉર્ફે જાડિયો, ચેતક શાહ અને કિરણ ઉર્ફે સુનીલે મગાવ્યો હતો જે વોન્ટેડ છે. ત્યારે દરિયાપુરમાં મોટી વાઘજીપુરાના પોળમાં પણ દારૂનું વેચાણ કરતા ચિરાગ પટેલની ક્રાઈમ બ્રાંચે વીસ બોટલ સાથે ઝડપી પાડ્યા છે. દારૂ સિવાય શહેરમાં હથિયાર મળવાનો સિલસિલો પણ ચાલુ છે.
ક્રાઈમ બ્રાંચે નરોડા સ્મશાન પાસેથી રાહુલ ઉર્ફે ટુન્ડે શર્મા નામના યુવક પાસેથી દેશી તમંચો અને એક જીવતો કારતૂસ જપ્ત કર્યા છે જ્યારે સરખેજની બે અલગ અલગ જગ્યા પરથી ક્રાઈમ બ્રાંચે બે પિસ્તોલ, છ જીવતા કારતૂસ સાથે બે યુવકને ઝડપી પાડ્યા હતા.
એક યુવકનું નામ મુસ્તુફા ઉર્ફે સમીર કઠિયારો છે જ્યારે બીજા યુવકનું નામ મુજાહીદ ઉર્ફે બાબુ નાઈ છે. મુસ્તુફા પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળ્યા છે જ્યારે મુજાહીદ પાસેથી એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળ્યા છે. આ સિવાય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પણ અમરાઈવાડી વિસ્તારમાંથી દેશી તમંચા સાથે દીપક ચાવડા નામના યુવકને ઝડપી પાડ્યો હતો.