Western Times News

Gujarati News

જંગલમાંથી લાકડાં કાપી વેચી મારવાનું કૌભાંડ પકડાયા પછી 15 દિવસે ગુનો નોંધાયો

માલપુર વિસ્તારમાં જંગલનાં લીલાં લાકડાં ભરેલી ટ્રક-ટ્રેક્ટર પકડાયાના ઘણા દિવસો બાદ ગુનો દાખલ કરાતાં આશ્ચર્ય…!!!

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની જંગલ ખાતાની નોર્મલ રેન્જ વિસ્તારમાં ખેતાવાડાના જંગલ વિસ્તારમાંથી લીલાં લાકડાં કાપી વેચી મારવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાની સરેઆમ લોકચર્ચા ચાલી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ટ્રકોમાં ભરીને લીલા લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી છે…!!!
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી આવી બાબતના કોઈપણ પ્રકારના આરોપીઓને ઝડપી લઇ જંગલ ખાતાના દફતરે ફરિયાદો નોંધાઈ નથી…!!!

માલપુર નોર્મલ રેન્જ વિસ્તારમાં ખેતાવાડા જંગલ વિભાગમાંથી કાપીને ભરવામાં આવેલા લીલાં લાકડાનો ટ્રક અને તેની મદદગારી કરતું ટ્રેક્ટર તારીખ ૯ ‘ઓગસ્ટના રોજ ઝડપાયાં હતાં એ બાબતનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે…!!!

પરંતુ આ પકડાયેલી ટ્રક બાબતે લાગતા વળગતા તંત્રના અધિકારીઓએ સૂચક મૌન ધારણ કર્યું હતું અને આ બાબતે કોઈપણ પ્રકારે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતા પરંતુ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર પૂછપરછ હાથ ધરાતાં છેક લગભગ દસ દિવસ બાદ જાણવા મળ્યા પ્રમાણે સદર ટ્રકના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે….!!!

આ બાબતે વારંવાર મીડિયા કર્મીઓ દ્વારા માલપુરના વન વિભાગના તાબાના અધિકારીને ફોન કરી માહિતી માંગતા તમે અરજી આપો પછી જ માહિતી મળશે એમ જણાવી વાતને ટલ્લે ચડાવી ગલ્લાં તલ્લાં કરવામાં આવતા હતા….!!!! લોકશાહી દેશમાં મીડિયા જ્યારે ચોથો સ્તંભ ગણાય છે તો દાખલ થયેલી ફરિયાદની વિગતો છુપાવવામાં તંત્રને શું ફાયદો હશે…???

આ બાબતે માલપુર વન વિભાગમાંથી પુરતી માહિતી ના મળતાં મીડિયા કર્મીઓએ જિલ્લા વન વિભાગના ઉચ્ચ અધિકારીને ફોનથી સંપર્ક કરતાં તેમણે પણ અમારે દાખલ થતા તમામ ગુનાઓની માહિતી મીડિયા કર્મીઓને આપવાની જરૂર નથી ગુનો દાખલ કરવો એ મારી અંગત બાબત છે આમ જણાવી ગુનાની વિગત આપવાની વાતને ટાળી દીધી હતી…!!!

તો હવે સવાલ એ થાય છે કે તંત્રને દાખલ થયેલા ગુનાની વિગત આપવામાં શું તકલીફ હશે કે પછી તેમાં કોઈ ફેરફાર કરવાનો હશે…..?????


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.