સબ ઇન્સ્પેક્ટરને ધક્કો મારી ગુનેગાર ભાગી ગયો
(એજન્સી)અમદાવાદ, ખોખરા પોલીસના હાથમાંથી રીઢો ગુનેગાર આસીફ ભેડિયા ફરાર થઇ ગયો હતો. તેને લઇને ખોખરા પોલીસ તપાસ માટે કાલુપુર સહજાનંદ માર્કેટમાં ગઇ હતી. તેના એક હાથમાંથી હાથકડી છોડવામાં આવી ત્યારે સબ ઇન્સ્પેક્ટર વી.સી. પરમારને છાતીમાં કોણી મારીને ભેડિયા ભાગી ગયો. વધુ એક વખત અમદાવાદ પોલીસ વિવાદમાં આવી.
આ બાબતે કાલુપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ખરેખર ભેડિયા ભાગી ગયો છે કે તેને ભગાડવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે. તેને ઝડપી લેવા માટે કવાયત ચાલી રહી છે.
ચોરીના જુદા જુદા કેસમાં સંડોવાયેલા આસીફ યુસુફભાઇ પટેલ ઉર્ફે ભેડિયા (રહે. બેરલ માર્કેટ, દાણીલીમડા) અને અતિયાર રહેમાન યાકુબઅલી શેખ(દાણીલીમડા)ને ખોખરા પોલીસે તપાસ માટે ટ્રાન્સફર વોરંટથી લાવી હતી.
જૂની ચોરીના કેસમાં ભેડિયાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે મુદ્દામાલ અંગે કાલુપુર સહજાનંદ માર્કેટમાં તપાસ માટે જવાનું હોવાથી ખોખરાના પીએસઆઇ વી.સી. પરમાર અને હેડ કોન્સ્ટેબલ શિવપ્રકાશ શેષમણી મુદ્દામાલની તપાસ માટે સહજાનંદ માર્કેટ ગયા હતા.
ત્યાં ભેડિયાએ જે દુકાનમાં માલસામાન ગાળવા આપ્યો હતો તેની પૂછપરછ કરવાની હતી. પીએસઆઇએ ભેડિયાના એક હાથમાંથી હાથકડી ખોલી હતી. કોન્સેટબલ દુકાનમાં પૂછપરછ કરવા ગયો ત્યારે પીએસઆઇ પરમાર ભેડિયાને પકડીને ઊભા હતા.
મોકો મળતાં ભેડિયાએ પરમારની છાતીમાં કોણી મારી સીડીઓ પર કૂદીને એક હાથમાં હાથકડી સાથે ફિલ્મી સ્ટાઇલે ભાગી ગયો હતો. પીએસઆઇ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ શેષમણીએ તેને પકડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો.