લગ્નના બીજા જ દિવસે યુવકે નર્સરીમાં જઈને આપઘાત કરી લીધો

જુનાગઢ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માત્ર બે દિવસ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલા ૨૬ વર્ષીય યુવકે ગામની વન વિભાગની નર્સરીના જંગલ વિસ્તારમાં ઝાડ સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો.
આ અણધારી ઘટનાથી પરિવાર અને ગામમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.ચર ગામમાં એક તરફ લગ્ન પછી ઘરે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ૨૬ વર્ષીય સુનિલ કરસનભાઈ ડાકીએ નર્સરીમાં જઈને જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક સુનિલ ભેસાણ ખાતે જેટકોમાં નોકરી કરતો હતો. તે આજે વહેલી સવારે ઘરેથી નીકળ્યા બાદ ચર ગામની વન વિભાગની નર્સરી તરફ ગયો હતો. સવારે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ ગામના કેટલાક લોકોએ તેને ઝાડ પર લટકતો જોયો અને તાત્કાલિક પોલીસને જાણ કરી.
કેશોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે અને યુવકે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ દુઃખદ ઘટનાથી મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. લગ્નના બીજા જ દિવસે અને ઘરમાં ધાર્મિક પ્રસંગના સમયે યુવકના આપઘાતથી સૌ કોઈ સ્તબ્ધ અને દુઃખી થઈ ગયા હતા.કેશોદના ડીવાયએસપી ડી.સી. ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતક સુનિલના બે દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને આજે તેમના ઘરે ધાર્મિક કાર્યક્રમ હતો.
આવા સમયે યુવકે આપઘાત જેવું પગલું ભરવું એ ખરેખર દુઃખદ અને ચિંતાજનક છે. પોલીસ આ કેસની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે.SS1MS