જે ઘરના બાપ- દીકરો બન્ને નોકરી શોધતા હોય એની હાલત અકાળે આવી ચડેલી પાનખર જેવી હોય છે
એ જમાનો પણ લગભગ જતો રહ્યો છે જેમાં પપ્પા, દાદા કે કાકા ફોન કરે એટલે નોકરી મળે-કેટલાક લોકો વિદેશ અભ્યાસ કરીને સ્વદેશ આવેલા છે. છતાં તેઓ હજુ ઘરે જ બેઠા છે. કારણ કે ડિગ્રીઓનું અવમૂલ્યન થઈ ગયું છે.
દેશના યુવાનો જિંદગીના વિશિષ્ટ વળાંકમાંથી પસાર થઈ રહ્યા છે. અગાઉના જમાનામાં ભારતીય પ્રજાનો બહુધા વર્ગ ભાગ્યવાદી હતો અને તક પણ એટલી બધી હતી કે એમ લાગતું હતું કે ભાગ્ય સાથ આપી રહ્યું છે. પરંતુ હવે તેજસ્વી પ્રતિભાઓ પણ તક માટે ભટકતી જોવા મળે છે. છેલ્લા પાંચ વરસમાં દેશના અર્થકારણે સહન કરેલા કેટલાક જગપ્રસિદ્ધ આંચકાઓને પરિણામે આપણને કોઈ કોઈ એવા વિષાદી પરિવારો પણ જોવા મળ્યા છે
જેમાં પિતા અને પુત્ર બંને એક સાથે નોકરી શોધતા હોય. પિતા એની મધ્ય કે ઢળતી વયે નોકરી શોધે અને પુત્ર યૌવનના ઉંબરે પગ મૂકે ત્યારે પહેલી નોકરી શોધે. જે ઘરના બાપ- દીકરો બન્ને નોકરી શોધતા હોય એની હાલત અકાળે આવી ચડેલી પાનખર જેવી હોય છે, એક તરફ સંતાનો પરણાવવા લાયક થયા હોય અને બીજી બાજુ ઘરની સર્વસામાન્ય દરમાસિક આવક ધારા સુકાતી જતી હોય ત્યારે જિંદગી એના સૌથી વિકરાળ સ્વરૂપે નજરમાં તગતગે છે.
દરેક ઘરમાં એક મા હોય છે. માતાનો અર્થ જ છે કે જે સદાય એમ માને છે કે કાલે સોનાનો સૂરજ ઉગશે અને મારો દીકરો ઘોડે ચડશે. એટલે કે એની સર્વ કુશળતાઓના બદલામાં એના પૂરતી સફળતા તો એને રમતા- રમતા મળી જશે. દેશની એવી કંઈ કેટલીય માતાઓને જ્યારે તેમના કોઈ સ્વજન કે પરિચિત પૂછે કે આજકાલ તમારો દીકરો શું કરે છે ?
ત્યારે તે બહારથી તો એમ જ કહે છે કે, બસ હવે નોકરીએ ચડવાની તૈયારીમાં છે, પરંતુ એના હૃદયમાંથી એ ક્ષણે એક અદીઠ અશ્રુઝરણ વહેતું થઈ જાય છે. દેશના કોર્પોરેટ જગતમાં તેજસ્વી યુવાનોની કટોકટની તંગી છે પરંતુ તકલીફ એ છે કે આપણા સરેરાશ તેજસ્વી યુવાનોમાં કોર્પોરેટ ક્ષેત્ર માટેની જોબ ફિટનેસ ઝિરો ડિગ્રી ઉપર છે.
યુનિવર્સિટીના સાવ પુરાણા પાઠયક્રમોમાં કોર્પોરેટ કલ્ચરનો કોઈ અણસાર દેખાતો નથી. એક બીજી ન દેખાતી સમસ્યા પણ કોર્પોરેટ જગતમાં છે, કંપનીઓ એવા યુવાનોને નોકરી આપવા ચાહતી નથી જેઓ પોતાનો બિઝનેસ શીખી જાય અને પછી પોતાનું આગવું સાહસ કરે કે હરીફ કંપનીઓમાં જતા રહે. આ કોઈ માન્યતા કે પૂર્વગ્રહ નથી, તેમના અનુભવનું અમૃત છે.
લોકો ડાઈ ચોરી જાય છે, મશિન ડિઝાઇનની કોપી કરી લે છે, વિદેશ નિકાસ કરીએ છીએ તે વિદેશી કંપનીઓનું લિસ્ટ તફડાવી લે છે. આ બધી પ્રવૃત્તિઓ કોઈ ધમધોકાર ચાલતા બિઝનેસને પછાડવા પૂરતી છે. એટલે નવા યુવાનોને પોતાની કંપનીમાં જોબ આપવા માટે કંપની માલિકો બહુ વિચાર કરે છે. એવા વિચારોમાંથી જ એક પ્રકારની નાકાબંધી સર્જાઈ ગયેલી છે.
કેટલીક કંપનીઓ એવી છે કે જે પોતાને ત્યાંથી બીજે જતા તેજસ્વી કર્મચારીને ત્યાં પણ જંપવા દેતી નથી. મુંબઈમાં આવી ઘણી સ્માર્ટ કંપનીઓ છે જે વિદાય લેનારા પોતાના એક્ઝિક્યુટિવોનો પીછો કરવા માટે પોતાના ડોબરમેનને છુટ્ટા મૂકે છે. બહારથી કાંઈ દેખાતું નથી પરંતુ થોડા સમય બાદ એ વિદાયિત એક્ઝિક્યુટિવ રોડ પર આવી જાય છે.
આવી કંપનીઓ ઓછા પગારે ગુલામો ચાહે છે અને પ્રતિભાઓથી ડરે પણ છે. દેશમાં એક તો મંદીના નવા પ્રવાહોને કારણે નોકરી આસાન નથી અને એનાથી વિરોધાભાસી ચિત્ર એ પણ છે કે વરસમાં ત્રણ- ચાર નોકરી બદલાવીને, જમ્પ મારીને ઊંચા પગારે પહોંચી જનારા નમૂનેદાર લોકો પણ છે.
આખી વાત હવે યુવક કે યુવતીના પોતાના વ્યક્તિગત કલ્ચર પર કેન્દ્રિત થઈ ગઈ છે. જો એને કામ કરવું હોય તો કામ મળી જ જાય છે, પરંતુ પોતે ચાહે છે એવું કોઈ તૈયાર કામ દેશમાં હવે નથી. જોબ એક નવી દુનિયા છે અને એ દુનિયાના દરેક યુવાને પોતે એક ચોક્કસ કદમ ઉપાડીને એણે જાતે બનાવવાની છે. એમાં એની પડખે કોઈ નથી, યુવક કે યુવતી એ યાત્રામાં એકલા જ છે.
એ જમાનો પણ લગભગ જતો રહ્યો છે જેમાં પપ્પા, દાદા કે કાકા ફોન કરે એટલે નોકરી મળે. ઓડિસ્યૂસ જેવો રઝળપાટ જાતે જ કરવાનો છે અને સાત સાગર ફરી વળવાનું છે. કેટલાક લોકો વિદેશ અભ્યાસ કરીને સ્વદેશ આવેલા છે. છતાં તેઓ હજુ ઘરે જ બેઠા છે. કારણ કે ડિગ્રીઓનું અવમૂલ્યન થઈ ગયું છે.
પ્રાથમિક પરિચયમાં એક વાક્ય બોલવામાં જ એ ડિગ્રી કામ લાગે. એ કાગળના ટુકડાની નોન-ગવર્નમેન્ટ જોબમાં તો કોઈ કિંમત નથી. કારણ કે તમારી સંભવિત ક્ષમતાઓ કે યોગ્યતાઓ તમારા પરફોર્મન્સ દ્વારા સાબિત કરવાની છે. એ તમારા કામકાજનો મેળ ન હોય તો આ જગતમાં તમારે માટે હવે જોબ નથી.
યુવાનનું વ્યક્તિગત કલ્ચર એટલે પોતે હાથમાં લીધેલા કામને સારામાં સારી રીતે પૂરું કરવાની કુનેહ. આ કુનેહ અંતઃકરણની નિષ્ઠામાંથી આવે છે. યુનિવર્સિટીઓમાંથી એ શીખવા મળે નહિ. હા, ભણતા – ભણતા કોઈ માથાભારે ગુરુજન મળી ગયા હોય અને વિદ્યાર્થીને આકરા પાણીએ તપાવીને કડક હાથે ઘાટ ઘડયો હોય તો વાત જુદી છે. પરંતુ એવી શક્યતા નહિવત્ છે.
કારણ કે યુવા પેઢી કોઈ શિક્ષક – પ્રશિક્ષકને એવા અધિકાર આપતી જ નથી કે તે જીવન શિક્ષણની નાજુક કેડીઓ પણ સફર કરી શકે. સુપર થર્ટી ફિલ્મમાં એક શબ્દ પરદા પર સંભળાય છે, કોચિંગ માફિયા ! ફિલ્મમાં તો હાયર સ્કેલના કોચિંગ માફિયાનું જગત બતાવ્યું છે. પરંતુ દેશની અવિધિસરની શિક્ષણ પ્રણાલિકામાં નાના – નાના અનેક કોચિંગ માફિયાઓ ફેલાયેલા છે. તેમનું કામ મુખ્યત્વે રેન્કિંગ વધારવાનું છે. સંસ્કાર જગત સાથે એમને કોઈ સંબંધ હોતો નથી.
તેઓ જાણે કે એક ડેટા ટ્રાન્સફર મશીન છે. તેઓ વિદ્યાર્થીને યાદ રહી જાય એ રીતે પોતાની પાસેના માહિતી સંપુટ વિદ્યાર્થીઓના મનમાં મૂકી આપે છે. સુપર થર્ટી ફિલ્મમાં ઋત્વિક રોશન પોતાના વિદ્યાર્થીઓને જે રીતે ભણાવે છે એ તો અજબ જ્ઞાનમાર્ગ છે, અને એવા જ્ઞાનના વહેતા ઝરણાંઓ કે પરબ હવે રહ્યા નથી.
દિગ્દર્શક વિકાસ બહેલે ફિલ્મ ખરેખર તો આનંદકુમાર નામના અસલ ભારતીય ગણિતશાસ્ત્રી પર બનાવી છે, પરંતુ આવા આનંદકુમારો લાખોમાં નહિ, કરોડોમાં એક હોય છે. એટલે બાકીના જે કોચિંગધામો છે એમાં યુવક- યુવતીની સંસ્કારિતા અપગ્રેડ થવાના કોઈ ચાન્સ નથી.
યુગ ડેટાનો છે. ડેટા જ દેવતા, ડેટા જ ઇશ્વર, ડેટા સબ કા આધાર એ સામ્પ્રત સત્ય છે, પરંતુ એકલો ડેટા, જિંદગી નિભાવી શકે નહિ. કોર્પોરેટ જોબ મેળવવામાં યુવાવર્ગ જે તકલીફ અનુભવે છે એનું એક કારણ સ્કીલ અને સ્કીલ સંબંધિત તાલીમનો અભાવ છે.