મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી વધુ નાણાં વસૂલવાનો નિર્ણય પરત લેવાયો
(એજન્સી)અમદાવાદ, ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં (GMERS-Medical-Gandhinagar) વિદ્યાર્થીઓ પાસે વધારાના નાણાં વસૂલવાનો મામલે હોબાળો થયા બાદ આખરે મેડિકલ કોલેજ દ્વારા નિર્ણય પરત ખેંચાયો છે. વિદ્યાર્થીઓ દ્વારા એસી-ફ્રિજના ઉપયોગ પર વધારાના ૬૦ હજાર વસુલવા સંદર્ભે બે દિવસ પહેલા નિર્ણય લેવાયો હતો, પરંતું શુક્રવારે સાંજે નિર્ણય પરત ખેંચી લેવાયો છે.
જેને ગર્લ્સ અને બોય્ઝ બંને હોસ્ટેલમાં લાગુ કરાયો હતો. આખરે ડીન દ્વારા નિર્ણય ખેંચાયાની જાહેરાત કરાઈ છે. ગાંધીનગર ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, પી.જી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના માથે એક નવો ફી વધારો ઝીંકાયો હતો. બે દિવસ પહેલા અચાનક જાહેરાત કરાઈ હતી કે, જે વિદ્યાર્થીઓ પોતાની રીતે રૂમમાં ઇલેક્ટિÙક ઉપકરણોનો ઉપયોગ કરે છે,
તેમની પાસેથી આગામી ૧લી જૂનથી આ પ્રકારના ઉપકરણોના ઉપયોગ બદલ કેટલી રકમ વસુલ કરવામાં આવશે. આ સાથે જ કયા ઉપકરણના કેટલા ચાર્જ વસૂલાશે તેનું પણ લિસ્ટ જાહેર કરાયું હતું. રાજ્યમાં હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ,ગાંધીનગરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ હોસ્ટેલમાં રહેતા હોય છે
તેમને એસી, ફ્રીઝ, કુલર, સ્ટવ સહિતની કોઇપણ પ્રકારની સુવિદ્યાઓ આપવામાં આવતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ પોતાની રીતે આ પ્રકારની ઇલેકટ્રિક ઉપકરણો વસાવીને ઉપયોગ કરતાં હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે હોસ્ટેલમાં આ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે તેવું કોલેજ સત્તાધીશોના ધ્યાનમાં આવતાં દરેક વસ્તુના ઉપયોગ પેટે ચાર્જ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કોલેજના ડીન દ્વારા કરાયેલા પરિપત્ર પ્રમાણે જે વિદ્યાર્થીઓ આ પ્રકારના સાધનનો ઉપયોગ કરે છે તેઓએ આગામી ૧લી જૂનથી નિર્ધારિત કરેલી ફી ભરવાની રહેશે.
મેડિકલ કોલેજ દ્વારા અચાનક આ રીતે ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલમાં વધારાના નાણાં વસૂલવા બાબતે આદેશ કરતા હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. જેના બાદ અચાનક ફી વધારાનો નિર્ણય પરત ખેંચી લેવાયો છે. મેડિકલ કોલેજના ડીને ટેલિફોનિક ચર્ચામાં નિર્ણય પરત લેવાયો હોવાની માહિતી આપી હતી.