ચૂંટણી ખર્ચ નિરિક્ષણ, વિવિધ IT ઍપ્લિકેશન્સ સહિતની બાબતો અંગે પ્રતિનિધિઓને માહિતી અપાઈ

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની ઘોષણા કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી ૧૨મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતની લોકસભા બેઠકો માટે તેમજ વિધાનસભાની ૦૫ બેઠકો માટે પેટાચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવનાર છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી આ બેઠકમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા આવશ્યક બાબતો અંગે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ ચૂંટણી સમયગાળા દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલીકરણ, ખર્ચ નિરિક્ષણ, ઉમેદવારી પત્રો અને ચૂંટણી પ્રચાર સહિતની બાબતો તથા વિવિધ પરવાનગીઓ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માહિતીગાર કર્યા હતા.
સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી. પટેલ દ્વારા ક્રિમીનલ એન્ટીસિડનટ્સ દ્વારા જાહેર કરવાની માહિતી અંગેના વિવિધ ફોર્મેટ બાબતે, મતદાર યાદી, મતદાન મથકો અને પોલીંગ સ્ટાફ, EVM, હોમ વોટીંગ અને પોસ્ટલ બેલેટ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
જ્યારે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી.ડી. પલસાણા દ્વારા વિવિધ માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે રાજકીય જાહેરાતોના પૂર્વ-પ્રમાણિકરણ અને પેઈડ ન્યૂઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના તમામ પ્રતિનિધિઓને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.