દિલ્હી સરકાર ત્રણ દોષિતને મુક્ત કરવાના સુપ્રીમના આદેશને પડકારશે
નવી દિલ્હી, દિલ્હી સરકાર ૨૦૧૨ના છાવલા ગેંગરેપ અને હત્યા કેસમાં ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને પડકારશે.
દિલ્હી સરકારે એલજીને સરકારને સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી જેને હવે એલજી દ્વારા મંજૂર કરવામાં આવી છે. એલજીએ દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે એસજી તુષાર મહેતા અને એડીએલ એસજીની નિમણૂકને પણ મંજૂરી આપી છે. ૭ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ગેંગરેપ-હત્યા કેસમાં ત્રણેય દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે બીજેપી સાંસદ અનિલ બલુની ગુરુવારે ૨૦૧૨ના છાવલા ગેંગરેપ પીડિતાના માતા-પિતા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પણ મળ્યા હતા અને તેમને આ કેસમાં રિવ્યુ પિટિશન દાખલ કરવા વિનંતી કરી હતી. બલુની ઉત્તરાખંડના રાજ્યસભાના સાંસદ છે.
પીડિતાના માતા-પિતાએ કહ્યું હતું કે તેઓ આરોપીને ફાંસીની સજા ઈચ્છે છે. ગુરુગ્રામ સાયબર સિટીમાં કામ કરતી યુવતીનું ૯-૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૨ ની મધ્યરાત્રિએ દિલ્હીના કુતુબ વિહારમાં તેના ઘરની નજીક કારમાં ત્રણેય દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ પછી રેવાડીના રોધઈ ગામમાં એક ખેતરમાંથી પીડિતાની લાશ મળી આવી હતી. તેના શરીર પર ઘણી ઇજાઓ હતી અને કારના સાધનોથી માંડીને માટીના વાસણો સુધીની વસ્તુઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રવિએ ષડયંત્ર રચ્યું હતું કારણ કે યુવતીએ તેના પ્રપોઝલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ત્રણેય પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
ડીએનએ રિપોર્ટ અને અન્ય તમામ પુરાવાઓની મદદથી ત્રણેય સામેનો કેસ ટ્રાયલ કોર્ટમાં સાબિત થયો હતો. અગાઉ ૨૦૧૪માં નીચલી અદાલતે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેટેગરીમાં ગણીને ત્રણેયને ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં દિલ્હી હાઈકોર્ટે પણ આ ર્નિણયને યથાવત રાખ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે ત્રણેયને મુક્ત કર્યા હતા.SS1MS