અમદાવાદ જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા ‘ઐતિહાસિક અમદાવાદ’નું વિમોચન કરાયું

જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેના હસ્તે ‘ઐતિહાસિક અમદાવાદ’નું વિમોચન કરાયું
જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કરવામાં આવેલાં વિકાસ કાર્યો તથા સરકારશ્રીની યોજનાકીય સિદ્ધિઓને ઉજાગર કરતી આ પુસ્તિકા પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવમાં તૈયાર કરવામાં આવી છે
કલેકટર શ્રી પ્રવીણા ડી.કે.એ માહિતીસભર અને આકર્ષક વિકાસ વાટિકા તૈયાર કરવા બદલ માહિતી વિભાગને અભિનંદન પાઠવ્યા
આઝાદીના અમૃતકાળના યાદગાર પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કરવામાં આવેલ વિકાસ કાર્યો તથા સરકારશ્રીની યોજનાકીય સિદ્ધિઓને ઉજાગર કરતી વિકાસ વાટિકા ‘ઐતિહાસિક અમદાવાદ’નું વિમોચન અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામખ શ્રી હિમાંશુ ઉપાધ્યાય તથા જિલ્લા આયોજન અધિકારી સુશ્રી શ્રદ્ધા બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટર શ્રી પ્રવીણા ડી.કે.એ માહિતીસભર અને આકર્ષક વિકાસ વાટિકા તૈયાર કરવા બદલ માહિતી વિભાગને અભિનંદન પાઠવ્યા હતા તથા વિકાસ વાટિકાના માહિતીસભર સંપૂટને તેમણે બિરદાવ્યું હતું.
વિકાસ વાટિકા ‘ઐતિહાસિક અમદાવાદ’ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લાના ઈતિહાસની ઝાંખી, જિલ્લાની વિવિધ કચેરીઓની કામગીરી તથા સરકારશ્રીની સિદ્ધિઓ, સાફલ્યગાથાઓ સહિત પ્રવાસન, રસ્તા, પાણી, સિંચાઈ, પ્રાકૃતિક કૃષિ, બાગાયત, વીજળી, આરોગ્ય, શિક્ષણ જેવા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા છે.
સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવી, નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુ ઉપાધ્યાય, સહાયક માહિતી નિયામક શ્રી ડૉ. દિવ્યેશ વ્યાસ, શ્રી રેસુંગ ચૌહાણ, શ્રી હરીશ પરમાર અને જિલ્લા આયોજન અધિકારીશ્રી શ્રદ્ધા બારોટએ સંપાદન કાર્યમાં ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંપાદન શાખાના શ્રી મીનેષ પટેલ, શ્રી વિવેક ગોહિલ તેમજ શ્રી શ્રદ્ધા ટીકેશ તેમજ આયોજન અને માહિતીના વિભાગના કર્મચારીઓએ પુસ્તિકા બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
વિકાસ વાટિકામાં તસવીરકાર તરીકે શ્રી પરવેઝ લાખવા, શ્રી મહેન્દ્ર પરમાર અને શ્રી રુદ્રેશ ત્રિવેદીએ સેવા આપી હતી. આ પુસ્તિકા વિદ્યાર્થીઓ તથા અભ્યાસુઓ માટે જ્ઞાનવર્ધક બની રહેશે.