દરિયાપુરના છ, ખાડિયાના પાંચ મકાનોનો જર્જરિત ભાગ રથયાત્રા પહેલાં ઉતારી લેવાયો
રથયાત્રા રૂટ પરના ૧૧ ભયજનક મકાનના જર્જરિત ભાગને ઉતારી લેવાયા
(એજન્સી)અમદાવાદ, આગામી ૭ જુલાઈ રવિવારના રોજ અમદાવાદની અસ્મિતાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા શહેરમાં પરંપરાગત રીતે ભારે ધામધૂમથી નીકળશે. આ રથયાત્રા રૂટ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ભયજનક મકાનો કે તેના જર્જરિત બનેલા ભાગને ઉતારવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ છે.
આ વખતે સત્તાવાળાઓ દ્વારા ૪૪૭ ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી છે. દરમિયાન ગઈકાલે તંત્ર દ્વારા જોર્ડન રોડ અને દરિયાપુર વિસ્તારમાં આવેલા ભયજનક મકાન કે તેના ભાગને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી. કુલ ૧૧ જેટલા ભયજનક મકાનના જર્જરિત ભાગને ઉતારીને તંત્રએ રથયાત્રા રૂટને શ્રદ્ધાળુઓ માટે વધુ સુરક્ષિત કર્યો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બડે ભૈયા બલરામની ૭ જુલાઈએ નીકળનારી ઐતિહાસિક રથયાત્રાને ઉમળકાભેર વધાવવા માટે તનતોડ મહેનત કરાઈ રહી છે. તંત્રના ઈજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, બગીચા વિભાગ વગેરે વિભાગો દ્વારા વિવિધ પ્રકારની કામગીરી જારી છે અને ખાસ કરીને ભયજનક મકાનોના મામલે સત્તાધીશો વધુ સાવધાન બન્યા છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે ૧૬૦ જેટલા ભયજનક મકાનોની સંખ્યા વધી છે. આ તમામ મકાનો પર એક્રેલિક શીટ પર જાહેર ચેતવણી લગાવવામાં આવશે તેમજ અત્યંત ભયજનક મકાનોની બાલ્કનીમાં જાહેર ચેતવણીનું ફલેકસ બેનર પણ લગાવાશે.
દરમિયાન એસ્ટેટ અને ટીડીઓ વિભાગે પોલીસની મદદ મેળવીને જેસીબી, દબાણ સ્ટાફ અને દબાણગાડીની મદદથી દરિયાપુરમાં છ અને ખાડિયામાં પાંચ એમ કુલ ૧૧ ભયજનક મકાનો અને તેના હિસ્સાને ઉતાર્યા હતા. દરિયાપુરમાં તંબુ ચોકીની બાજુમાં આવેલા મકાનને પૂરું પૂરું ઉતારી લેવાયું છે, જ્યારે તંબુ ચોકીની બાજુમાં ગાયત્રી કિરાણા સ્ટોર, જોર્ડન રોડના સૂરજ ભવન, ગાયત્રી ફાફડાની ઉપર
અને જોર્ડન રોડ પરના એ ટુ ઝેડ ઓÂપ્ટકસ ઉપરના બાંધકામના ભયજનક ભાગને દુર કરવામાં આવ્યો છે. દરિયાપુરના અર્બન હેલ્થ સેન્ટરની ગેલેરીનો ભાગ પણ હટાવાયો છે
જ્યારે ખાડિયામાં ગોળલીમડા જ્યુસ સેન્ટરની બાજુના મકાનની ગેલેરીનો ભાગ, રંગાટી બજારના નાકે કેર એન હેર સલૂનની ઉપરવાળા મકાનનો ગેલેરીનો ભાગ, આકા શેઠ કૂવાની પોળ સામેના મહાદેવ મંદિર પાસેના મકાનનો યેલેરીનો ભાગ ઉતારવામાં આવ્યો છે. આ ઉપરાંત બદોપોળના નાકે આવેલું આખું મકાન ઉતારી લેવામાં આવ્યું છે. સારંગપુર ચકલાના ફરતા વિસામાના પતરા પણ ઉતારી લેવામાં આવ્યા છે.