રેતીની ટ્રકોનો વિવાદ ચરમસીમાએ: રોજીંદી સમસ્યાને લઈને ઝઘડિયા તાલુકાના ગ્રામજનો વિફર્યા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે મેઈન બજાર માંથી પસાર થતી રેતીની ટ્રકોનો વિવાદ દિવસે દિવસે વિસ્તૃત બનતો જાય છે.સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોની જવાબદાર તંત્ર અને પોલીસને વારંવાર કરાયેલ રજુઆતો બાદ પણ કોઈ કાર્યવાહી નહિ થતાં
આજરોજ સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો વિફર્યા હતા.વિફરેલા ગ્રામજનોએ રેતીની ટ્રકો અટકાવતા મામલો બિચક્યો હતો.ગ્રામજનો અને ટ્રક ચાલકો વચ્ચે રીતસર ખુલ્લેઆમ સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા.બન્ને પક્ષે ખુલ્લા હાથની મારામારી જેવા દ્રશ્યોને લઈને નગરમાં ઉત્તેજનાનો માહોલ છવાયો હતો.
ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગ અને જીલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા.કેટલાક રેતીની ટ્રકો વાળા બજાર વચ્ચે રેતી ખાલી કરીને નાશી ગયા હતા.
ખાણ ખનીજ અધિકારીઓએ સ્થળ પર આવીને પરિસ્થિતિ નિહાળી હતી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાશે એમ જણાવ્યું હતું પરંતું સ્થાનિક અગ્રણીઓએ ખાણ ખનીજ અધિકારીઓ આ બાબતે કેવા પગલા ભરશે એ બાબતે સવાલો ઉઠાવ્યા હતા.
આ દરમ્યાન નગરના વેપારીઓએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી અને આ બાબતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.વાહન ચાલકો અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ સર્જાતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવા કોશિશ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉમલ્લા દુ.વાઘપુરાના બજાર માંથી પસાર થતાં રેતીના વાહનોને લઈને અકસ્માતો તેમજ ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાય છે.ત્યારે હવે આ બાબતે ગ્રામજનોએ વ્યક્ત કરેલ વિરોધ પ્રદર્શન બાદ તંત્ર કેવા પગલા ભરે છે તે જાેવું રહ્યું.