જે સ્કૂલમાં થયું જીવન ઘડતર તેનું ઋણ ચૂકવવા ડૉક્ટરે દાન કર્યા ૩ કરોડ
અમદાવાદ, કહેવાય છે કે, જે લોકો નિઃસ્વાર્થ ભાવે કોઈની મદદ કરે છે તેનું ભલું થાય છે. રસ્તે જતાં કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાની હોય કે મુશ્કેલીમાં સપડાયેલા કોઈ વ્યક્તિને બહાર કાઢવા માટે રસ્તો શોધવાનો હોય, હરહંમેશ લોકોની મદદ કરતાં હોય તેમને પણ સમય આવ્યે ફળ મળતું હોય છે.
છેલ્લા પાંચ દશકાથી આશ્રમ રોડ પર ક્લિનિક ચલાવતા ૭૭ વર્ષીય યુરોલોજીસ્ટ પણ આવા જ એક સેવાભાવી વ્યક્તિ છે. સૌથી પ્રતિષ્ઠિત યુરોલોજીસ્ટ પૈકીના એક ડૉ. રાજુ પટેલ તેમની નિપુણતા અને દર્દીઓ પ્રત્યેના તેમના લાગણીશીલ સ્વભાવને લીધે તો જાણીતા છે જ, ઉપરાંત તેમની દાનવીરતા માટે પણ ઓળખાય છે.
બી.જે. મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. રાજુ પટેલ જીવનમાં તેમને મહત્વના પાઠ ભણાવનારી અને કરિયરને આકાર આપનારી સંસ્થાઓમાં ઉદાર દિલે દાન કરતા રહે છે. ઘણાં લોકો એવા હોય છે જે જીવન ઘડતરમાં ફાળો આપનારાઓનું ઋણ ભૂલી જાય છે પરંતુ ડૉ. રાજુ પટેલ એમાંના નથી. હાલમાં જ તેમણે વતન વિજાપુરમાં આવેલી પ્રાથમિક શાળાના પુનઃનિર્માણ માટે ૩ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ શાળામાં તેમણે પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.
ઉપરાંત ગુલબાઈ ટેકરામાં આવેલી કે.પી. હોસ્ટેલને પણ ફરી બંધાવવા માટે ૯ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ હોસ્ટેલમાં ડૉ. રાજુ પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે રહેતા હતા. મા-બાપનો ફાળો આપણા જીવનમાં સૌથી મોટો હોય છે. તેમનું ઋણ કદી ચૂકવી શકાય તેમ નથી હોતું. ત્યારે ડૉ. રાજુ પટેલ પોતાના પિતાના માનમાં તેમની અટક માવાવાળા લખાવે છે. ડૉ. રાજુ પટેલના પિતા ચતુરભાઈ વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ગવાડા) ગામમાં ડેરી ચલાવતા હતા.
૧૯૬૨થી ૧૯૬૪ દરમિયાન ડૉ. રાજુ પટેલે અમદાવાદની એમ.જી. સાયન્સમાંથી પ્રી-સાયન્સની ડિગ્રી (હાલના ધોરણ ૧૧-૧૨ને સમકક્ષ) મેળવી હતી. આ સમયગાળામાં તેઓ કે.પી. હોસ્ટેલમાં રહ્યા હતા.
૧૯૭૦માં ડૉ. રાજુ પટેલે બી.જે. મેડિકલ કોલેજમાંથી અંડરગ્રેજ્યુએટની ડિગ્રી લીધી હતી. જે બાદ તેમણે યુરોલોજીમાં સ્પેશિયલાઈઝેશન કરવા માટે ન્યૂયોર્ક મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. ૧૯૭૫થી ૧૯૮૦ દરમિયાન તેમણે સેન્ટ લ્યૂક હોસ્પિટલમાં તાલીમ લીધી હતી. સાથે જ અમેરિકન બોર્ડ ઓફ યુરોલોજીના ડિપ્લોમેટ તરીકેના સર્ટિફિકેશનની તૈયારી પણ કરી રહ્યા હતા.SS1MS