હોસ્પિટલના ટેરેસ પર લઈ જઈ તબીબનું વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
ગોત્રી મેડિકલ કોલેજના તબીબનું વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
વડોદરા, વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ તબીબે બીજા વર્ષમાં અભ્યાસ કરતી રેસિડેન્ટ તબીબ વિદ્યાર્થિની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ મામલે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે ગોરવા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી નિર્ભય પ્રકાશભાઈ જોષી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોષી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી.
બે દિવસ પહેલા આરોપી નિર્ભય જોષી પાસે વિદ્યાર્થિની માર્ગદર્શન લેવા માટે ગઈહતી. આ દરમિયાન નિર્ભય જોષી વિદ્યાર્થિનીને હોસ્પિટલના ટેરેસ પર લઈ ગયો હતો અને વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાં હતા અને જબરદસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી વિદ્યાર્થીનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નિર્ભય જોષી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
ગોરવા પોલીસે કલમ ૩૭૬, ૩૭૭, ૩૦૬ (ર) હેઠળ ગુનો નોંધીને આરોપી નિર્ભષ જોષીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને તેના ર દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન.લાઠિયાએ જણાવ્યું હતું કે, આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો અને પ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આરોપીના ર દિવસના રિમાન્ડ આપ્યા હતા. આરોપીની પુછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.