સુરતમાં હીરા ઉદ્યોગની મંદીએ વધુ એક રત્નકલાકારનો ભોગ લીધો
સુરત, સુરતમાં હીરા ઉદ્યોગની મંદીની અસરે વધુ એક રત્નકલાકારનો ભોગ લીધો છે. શહેરમાં પાલનપુર જકાતનાકા સ્થિત સંતતુકારામ સોસાયટીમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં ૨૬ વર્ષના રત્નકલકારે ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધુ હતું. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આર્થિક સંકડામણથી કંટાળી મોતની સોડ તાણી લીધી હતી.
મૃતક રત્નકલકાર ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બોટાદ અને સુરતમાં પાલનપુર જકાતનાકા ખાતે આવેલા ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં ૨૬ વર્ષીય સંજય રામજી મકવાણા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા અને ચાર બહેનો છે.
બહેનોનાં લગ્ન થઈ ગયાં હોવાથી સંજય હાલ માતા સાથે રહેતો હતો. તે રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. સંજયના એક ભાઈએ એક વર્ષ પહેલાં ફાંસો ખાઈને જ આપઘાત કરી લીધો હતો. ચાર મહિના પહેલાં તેના પિતાનું ટેન્શનના કારણે મોત થયું હતું. હાલ સંજય પિતા અને ભાઈનો સહારો ગુમાવ્યા બાદ થોડો તણાવમાં પણ રહેતો હતો.
જોકે, છેલ્લા થોડા મહિનાઓથી હીરામાં મંદી હોવાના કારણે આર્થિક સંકળામણ અનુભવતો હતો. જેના કારણે રાત્રે ઘરે એકલાનો લાભ લઈને સંજયે રૂમમાં પંખા સાથે નાયલોનની દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. દીકરાના પગલાના કારણે માતા નોંધારી બની છે.
અડાજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદી પ્રવર્તી રહી છે, તેના કારણે છેલ્લા એક વર્ષમાં ૬૫થી વધારે રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાનું થોડા સમય પહેલાંજ રત્નકલાકાર સંઘે કલેક્ટરને કરેલી તેમની રજૂઆતમાં ઘટસ્ફોટ કર્યાે હતો.
આપઘાતની બીજી એક ઘટનામાં મૂળ બિહારના બિશનપૂરનો વતની ૩૦ વર્ષીય મુકેશ દિલીપભાઈ યાદવ હાલમાં શહેરના સચિન જીઆઇડીસી ખાતે પાલીગામની જલારામ નગર સોસાયટીમાં રહેતો હતો. તેની પત્ની અને બે પુત્ર વતનમાં રહે છે.
કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મુકેશ યાદવે ગઈકાલે બપોરે પોતાની રૂમમાં છતના પંખા સાથે દુપટ્ટો બધી ફાંસો ખાઈ લીધો હતો. પોલીસના કહેવા પ્રમાણે તેના વતનમાં રહેતા બે પુત્રો પૈકી એક પુત્ર બીમાર હતો. આ મુદ્દે પરિવાર સાથે રકઝક થઈ હતી, જેનું માઠું લાગી આવતા મુકેશે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.SS1MS