ડ્રાઈવરે રૂ. ૫૦ લાખની કિંમતની કોપર ભરેલી ટ્રકનો રૂ. ૧૨ લાખમાં વેપાર કર્યો
નવી દિલ્હી, ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં પૈસા રોકવા માટે ડ્રાઈવરે રૂ. ૫૦ લાખની કિંમતની કોપર ભરેલી ટ્રક વેચી દીધી. ૧૨ લાખના આ સોદામાંથી તેને ૯.૫ લાખ રૂપિયા મળ્યા. આ પછી તેણે પોલીસમાં નકલી એફઆઈઆર પણ નોંધાવી, પરંતુ તે પોલીસ તપાસમાં ફસાઈ ગયો અને પોલીસે તેની ધરપકડ કરી.
દિલ્હીમાં એક વ્યક્તિએ લગભગ ૫૦ લાખ રૂપિયાના કોપર સ્ક્રેપથી ભરેલી ટ્રકની ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે તે ટ્રક ૧૨ લાખ રૂપિયામાં અન્ય વ્યક્તિને આપી દીધી હતી.
આ માટે બંને વચ્ચે ૧૨ લાખ રૂપિયાનો કરાર થયો હતો. તેણે ટ્રક ચોરીની નકલી એફઆઈઆર પણ નોંધાવી હતી, પરંતુ જ્યારે પોલીસને તેના પર શંકા ગઈ અને જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ પોલીસની શંકા વધી અને તે પછી પોલીસે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, મુકેશ (૪૨)એ ૧૨ લાખ રૂપિયાની રકમના બદલામાં બબલુ સાથે મળીને તેની ટ્રકની ચોરીની યોજના બનાવી હતી. તેણે ૧૯ એપ્રિલે ચોરી અંગેનો રિપોર્ટ નોંધાવ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેની ટ્રક અલીપોરના હમીદપુર ગામમાં પાર્કિંગમાંથી ચોરાઈ હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ડીસીપી સંજય કુમાર સેને કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને મુકેશની ગતિવિધિઓ અને નિવેદનો પર શંકા ગઈ. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે મુકેશે પોતે જ તેના ફોન પરના કોલ લોગ ડિલીટ કર્યા હતા અને બનાવના દિવસે નકલી એફઆઈઆર દાખલ કરવાની રીતો શોધી કાઢી હતી.
સંજય કુમાર સેને જણાવ્યું હતું કે, “પૂછપરછ દરમિયાન, ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા મુકેશે કબૂલાત કરી હતી કે છેતરપિંડી પાછળનો તેનો હેતુ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી માટે સરળતાથી પૈસા કમાવવાનો હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.”મુકેશે પોલીસને જણાવ્યું હતું કે ૧૮ એપ્રિલે તેણે સોનુના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરી હતી અને પછી રાત્રે બબલુ વાહન લઈને ભાગી ગયો હતો.
બબલુએ મુકેશને ૧૨માંથી ૯.૫૦ લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા, જેમાંથી મુકેશે ૫૦ હજાર રૂપિયા પણ ખર્ચ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેની પાસેથી બાકીના ૯ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.SS1MS