પોલીસની આંખમાં મરચું નાંખવાનો પ્લાન હતો MD ડ્રગ્સ જઈ રહેલા ખેપિયાનો
ઈસનપુરમાંથી એમડી ડ્રગ્સ સાથે ખેપિયાની ધરપકડ
(એજન્સી)અમદાવાદ, શહેરના યુવાઓ ડ્રગ્સની જાળમાં ફસાઈ ગયા છે, જેમને મુક્ત કરવા માટે ગુજરાત પોલીસ અનેક વખત ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી રહી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે યુવા પેઢી બરબાદીના રસ્તે જઈ રહી છે. અમદાવાદમાં એમડી સિવાય અન્ય ડ્રગ્સ લેવાનો ક્રેઝ પણ એટલો વધી ગયો છે કે યવાઓ નશેડીઓમાંથી પેડલર બની ગયા છે.
ગુજરાતને ડ્રગ્સ માફિયાઓએ એપી સેન્ટર બનાવી દીધું ત્યારે ડ્રગ્સ નામના દૂષણને ડામવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગઈકાલે સ્પેશિસ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઈસનપુર બ્રિજ પાસેથી એક શખ્સને ર૦ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ એમ.બી.ચાવડા તેમના ઘરે હાજર હતા ત્યારે વહેલી સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પીએસઆઈ ચાવડાને ફોન કર્યો હતો અને તાત્કાલિક ઈસનપુર બ્રિજ પાસે બોલાવ્યા હતા. પીએસઆઈ એમ.બી.ચાવડા તરત જ ઈસનપુર બ્રિજ પહોંચી ગયા હતા જ્યાં એસઓજીના અન્ય પોલીસ કર્મચારી પણ હાજર હતા.
એસઓજીની ટીમને બાતમી મળી હતી કે પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ મીણા રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લલને ઈસનપુર આવવાનો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ વોચમાં હતી ત્યારે પ્રેમનારાયણ મીણા ચાલતા ચાલતા આવતો હતો. એસઓજીએ તરત જ પ્રેમનારાયણને કોર્ડન કરી લીધો હતો અને અંગઝડપી કરી હતી.
પ્રેમનારાયણની અંગઝડતી કરતા તેની પાસે રહેલી એક પ્લાસ્ટિકની કોથળીમાં બદામી કલરનો પાઉડર મળ્યો હતો. જ્યારે બીજી કોથળીમાં લાલ મરચાંનો પાઉડર મળ્યો હતો. એસઓજીએ પ્રેમનારાયણની બદામી કલરના પાઉડર અંગે પૂછપરછ કરતાં તેણે એમડી ડ્રગ્સ હોવાની કબૂલાત કરી હતી. એસઓજી પ્રેમનારાયણની અટકાયત કરી.
એસઓજી કચેરીએ લાવી હતી જ્યાં તેની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી. પાઉડર એમડી ડ્રગ્સ છે કે નહીં તે મામલે એફએસએલ ટીમને બોલાવી હતી. એફએસએલની ટીમે આવીને પાઉડરની તપાસ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાનું પૂરવાર થયું હતું. એસઓજીએ પ્રેમનારાયણની ર૦ લાખ રૂપિયાની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રેમનારાયણે એસઓજી સમક્ષ જણાવ્યું હતું કે, એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના અમજદખાને આપ્યો હતો અને અમદાવાદના ડ્રગ્સ માફિયાને આપવા માટે જણાવ્યું હતું. પ્રેમનારાયણ અમજદખાનને ફોન કરીને ડ્રગ્સ માફિયાનું નામ પૂછે તે પહેલાં જ એસઓજીએ તેની ધરપકડ કરી લીધી હતી. એસઓજીએ ક્રાઈમ બ્રાન્ચમાં પ્રેમનારાયણ અને અમજદખાન વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રેમનારાયણ પાસેથી પ૦ ગ્રામ મરચાંનો પાઉડર મળી આવ્યો છે. જે મામલે એસઓજીએ પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી છે કે જ્યારે પોલીસ ધરપકડ કરે તો તેની આંખમાં મરચાંનો પાઉડર નાંખીને ભાગી જવાનો પ્લાન હતો. પરંતુ એસઓજીની ટીમ વધુ હોવાથી પ્રેમનારાયણ આંખમાં મરચાંનો પાઉડર નાંખી શકયો નહીં અને અંતે તેની ધરપકડ થઈ હતી.
શહેરના યંગસ્ટર્સ ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે જે આવનારા દિવસમાં ખતરાની ઘંટડી સમાન બની શકે છે. માતા-પિતાની જાણ બહાર યુવાઓ ડ્રગ્સ એડિકટ બની ગયા છે અને ધીમે ધીમે તેમના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે. ડ્રગ્સ માફિયાઓ રૂપિયા કમાવવવાની લાયમાં યુવાઓને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યા છે. શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હવે ક્રિસમસ પહેલાં સ્પેશિયલ ડયુટી કરશે.
શહેરના પાન પાર્લર, ચાની કીટલી સહિતની જગ્યા પર કે જ્યાં યંગસ્ટર્સ બેસતા હોય ત્યાં જઈને સ્પેશિયલ ટીમ ચેકિંગ કરશે. ક્રાઈમ બ્રાન્ચ ડ્રગ્સ એનાલિટીક ટેસ્ટના ખાસ પ્રકારના ડિવાઈસથી યંગસ્ટર્સનું ચેકિંગ કરશે.
અમજદખાને પ્રેમનારાયણને એમડી ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો અને તેને અમદાવાદ ડિલિવરી કરવાનું કહ્યું હતું. ડિલિવરી માટે અમજદખાને પ્રેમનારાયણને એક ટ્રીપના ૧પ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. અમજદખાને અમદાવાદના કયા ડ્રગ્સ માફિયાને એમડી આપવાનું હતું તે વાત ગુપ્ત રાખી હતી. જ્યારે પ્રેમનારાયણ અમદાવાદ પહોંચી જાય ત્યારે અમજદખાન ડ્રગ્સ માફિયાનું નામ આપવાનો હતો. અમજદખાન નામ આપે તે પહેલાં એસઓજીની ટીમે પ્રેમનારાયણની ધરપકડ કરી
લીધી હતી.