‘સૌરાષ્ટ્રના સિંહ’ અમૃતલાલ શેઠ અને ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની જોડીએ નવલોહિયા યુવાનોમાં નવચેતના જગાડીને અંગ્રેજ સરકાર વિરુદ્ધ પ્રચંડ લોકજુવાળ ઊભો કરેલો
‘મારી માટી, મારો દેશ’, ‘માટીને નમન, વીરોને વંદન’ -ધોલેરા સત્યાગ્રહ – ગાંધીજીના મીઠાં સત્યાગ્રહના સમર્થનમાં ચલાવાયેલી સવિનય કાનૂનભંગની ચળવળ
ધોલેરા – આધુનિક વિકાસનું કેન્દ્રસ્થાન, ઐતિહાસિક વિરાસતનું ઉદગમસ્થાન
આગામી દિવસોમાં દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ , ‘માટીને નમન, શહીદોને વંદન’ સૂત્ર સાથે સમગ્ર દેશમાં આઝાદી પર્વની રંગારંગ ઉજવણી થશે. આ વર્ષે દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત થનારા પાંચ પ્રકારના કાર્યક્રમોમાં વીર શહીદોને વિરાંજલી આપતો કાર્યક્રમ ‘શિલાફલકમ’ પણ યોજાવાનો છે. અંગ્રેજો વિરૂદ્ધ આઝાદીની ચળવળમાં દેશ અને રાજ્યના અનેક વીર સપૂતોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરેલાં અને ઘણાં ઐતિહાસિક સ્થળો આઝાદીની આ મહાચળવળના સાક્ષી બનેલા.
અમદાવાદ જિલ્લાનો ધોલેરા તાલુકો અત્યારે વિકાસની વણથંભી યાત્રામાં મહત્વનું કેન્દ્રબિંદુ બની રહ્યો છે. ગ્રીનફીલ્ડ એરપોર્ટ અને સેમિકન્ડક્ટર જેવા આધુનિક વિકાસના ઉપક્રમો નજીકના ભવિષ્યમાં ધોલેરાના આંગણે આકાર લેવાના છે. આધુનિક વિકાયાત્રાનો સાક્ષી બની રહેલો આ તાલુકો એટલો જ ઉજ્જ્વળ આઝાદીનો ઇતિહાસ પણ ધરાવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો શુભારંભ. સ્થળ : ગુણસદા, તા.સોનગઢ, જિ.તાપી https://t.co/jtvKb2L3Ks
— CMO Gujarat (@CMOGuj) August 9, 2023
આધુનિક વિકાસનું કેન્દ્રસ્થાન બનેલો ધોલેરા તાલુકો ઐતિહાસિક વિરાસતનું ઉદગમસ્થાન પણ છે. ધોલેરાના આંગણે થયેલો મીઠાંનો સત્યાગ્રહ ગાંધીજીના મીઠાં સત્યાગ્રહના સમર્થનમાં ચલાવાયેલી સવિનય કાનૂનભંગની ચળવળનું એક મહત્વનું પ્રકરણ છે.
ધોલેરા સત્યાગ્રહની શરૂઆત ‘તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી ! મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !’
1930 ની 12 મી માર્ચના રોજ મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમ,અમદાવાદથી ઐતિહાસિક પગપાળા ‘દાંડી યાત્રા’ શરૂ કરી હતી. 79 સત્યાગ્રહીઓ સાથે શરૂ થયેલી આ યાત્રાના અંતે ગાંધીજીએ 06 એપ્રિલ 1930ના રોજ દાંડીના દરિયાકાંઠે કર ભર્યા વગર મીઠું ઉપાડીને કહ્યું ”મેને નમક કા કાનૂન તોડા હૈ”- આ કહેવાની સાથે જ દેશભર માં ઠેર ઠેર મીઠા ના કાયદા નો ભંગ થવા લાગ્યો.
ગાંધીજીની સવિનય કાનૂનભંગની ચળવળ હેઠળ ‘સૌરાષ્ટ્રના સિંહ’ તરીકે જાણીતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહનાં મંડાણ થયાં હતાં. સૌરાષ્ટ્રના ભાવનગર, મોરબી, ગોંડલ, પોરબંદર, અમરેલી, કોડીનાર વગેરે સ્થળેથી સત્યાગ્રહી દેશભક્તોને સાથે લઈને અમદાવાદ જિલ્લાના ધોલેરા બંદરે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે અમૃતલાલ શેઠે ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની મંજૂરી મેળવી હતી.
મીઠાંના કાયદાનો ભંગ –6 એપ્રિલ, 1930ના રોજ ‘સૌરાષ્ટ્ર’ પત્રના સંચાલક અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ 21 સત્યાગ્રહીઓની ટુકડી ધોલેરા બંદરે સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ઘોષણા કરીને પોલીસોની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. અંગ્રેજો દ્વારા બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરીને તેમની પાસેથી બળજબરીથી મીઠું પડાવી લેવામાં આવ્યું. તેમને થોડો સમય કસ્ટમ હાઉસમાં બેસાડી રાખ્યા બાદ છોડી દેવામાં આવ્યા. અમૃતલાલ શેઠ પર કેસ ચલાવીને તેમને અઢી વર્ષની સજા કરવામાં આવી.
ત્યારબાદ 13 એપ્રિલની સવારે બળવંતરાય મહેતાના વડપણ હેઠળ મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓની ટુકડીએ મીઠું ઉપાડીને કાયદાભંગ કર્યો. બળવંતરાયની ધરપકડ કરી, ધંધુકામાં કેસ ચલાવીને તેમને બે વર્ષની સજા કરવામાં આવી.
અંગ્રેજી હકૂમત વિરૂદ્ધ આકરી લડત –ધોલેરા સત્યાગ્રહની ચાર છાવણીઓ (ધોલેરા, ધંધુકા, રાણપુર, બરવાળા)માં રાણપુર અતિ મહત્વની છાવણી હતી. ધોલેરા સત્યાગ્રહનું સમસ્ત આયોજન-સંયોજન રાણપુરથી થતું હતું. સમગ્ર કાઠિયાવાડમાંથી મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ સત્યાગ્રહમાં ભાગ લેવા ટ્રેન દ્વારા રાણપુર ઊમટી રહ્યાં હતાં ત્યારે ટ્રેન રાણપુર સ્ટેશને થોભે જ નહિ તેવી બ્રિટિશ સરકારે રેલ્વે વિભાગને સૂચના આપી હતી. આથી સત્યાગ્રહીઓએ આગલે સ્ટેશને ઉતરીને એક હાથમાં તિરંગો અને બીજા હાથમાં મીઠાની થેલી રાખીને રાણપુર તરફ કૂચ કરતાં.
આશરે દોઢ મહિનાની સક્રિય લડતમાં ઘણાં અગ્રણી સત્યાગ્રહીઓને જેલમાં મોકલવા છતાં લડતનો જુસ્સો ચાલુ રહેવાથી પોલીસે ધોલેરા, ધંધુકા, બરવાળા અને રાણપુરની સત્યાગ્રહની છાવણીઓ પર છાપા મારી, છાવણીઓ કબજે કરી. જે બાદ ધોલેરાના સ્મશાનમાં સત્યાગ્રહ છાવણી શરૂ કરવામાં આવી. કુલ આઠ મહિના સુધી લડત આપીને સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવ્યો. આ દરમિયાન સત્યાગ્રહીઓ ઉપર પોલીસોએ અમાનવીય અત્યાચારો ગુજાર્યા હતા.
ઝવેરચંદ મેઘાણી અને ‘સિંધુડો’ શૌર્યગીત સંગ્રહની રચના
આ સત્યાગ્રહ દરમિયાન ઝવેરચંદ મેઘાણીની ખૂબ મોટી ભૂમિકા રહેલી હતી. ઝવેરચંદ મેઘાણી એક સ્વાતંત્ર સેનાની, સાહિત્યકાર, વક્તા, પત્રકાર, ગાયક અને લોકસાહિત્ય સંશોધક હતા. ધોલેરા સત્યાગ્રહ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીએ દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ પ્રસિધ્ધ કર્યો હતો.
આ ગીતોની ચમત્કારી અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં સામેલ થયા હતાં. આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના જગાડી હતી. આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં અંગ્રેજ સરકાર પણ ચોંકી ગઈ હતી. અંગ્રેજોએ ગભરાઈને ‘સિંધુડો’ જપ્ત કર્યો હતો, પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ આવૃત્તિની સેંકડો ‘સાઈક્લોસ્ટાઈલ્ડ’ નકલો જોતજોતામાં લોકોમાં ફરી વળી હતી. સિંધુડાની રચના કરવાના લીધે જ ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું હતું. અંગ્રેજ સરકારે મેઘાણીને 2 વર્ષની સજા ફટકારી હતી.
સત્યાગ્રહ ચળવળનો અંત –માર્ચ, 1931માં ગાંધી-ઇર્વિન કરાર થતાં આ ચળવળ બંધ રહી હતી.
‘ધોલેરા સત્યાગ્રહ’ ના સત્યાગ્રહીઓ
‘ધોલેરા સત્યાગ્રહ’ માં ભાગ લેનારા અગ્રણી સેનાનીઓમાં ‘સૌરાષ્ટ્રના સિંહ’ તરીકે જાણીતા અમૃતલાલ શેઠ, ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી, બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ ‘સુશીલ’, રસિકલાલ પરીખ, જગજીવનદાસ મહેતા, કક્લભાઈ કોઠારી, હરગોવિંદભાઈ પંડ્યા, મનુભાઈ જોધાણી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા ‘સોપાન’,
રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી ‘દર્શક’, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, મગનલાલ સતિકુમાર, રતિલાલ શેઠ, કાંતિલાલ શાહ, કનુભાઈ લહેરી, દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષમણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, સુમિત્રાબેન સહિત અન્ય ઘણાં લોકોનો સમાવેશ થાય છે. આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ