દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયાં
નવી દિલ્હી, આગામી ૫ ફેબ્રુઆરીના રોજ યોજાનારી દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોની ચૂંટણી માટે અત્યાર સુધી થઇ રહેલા હાઇ-વોલેટેજ પ્રચારના પડઘમ સોમવારે સાંજે ૫ વાગ્યે શાંત થઇ ગયા હતા.
આ ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ જેવા ત્રણ મોટા રાજકીય પક્ષો હવે પોતાના મતદારોને રીઝવવા રોડ-શો, બાઇક રેલી, ગ્‰પ મિટિંગ, નાની નાની સભાઓ અને પદયાત્રાઓનો સહારો લેશે. પ્રચારના છેલ્લા દિવસે ભાજપે સમગ્ર દિલ્હીમાં ૨૨ જુદા જુદા સ્થળોએ રોડ-શો અને રેલી યોજવાનું નક્કી કર્યું હતું, જે પૂરવાર કરે છે કે ભાજપ ૨૫ વર્ષ બાદ દિલ્હીની સત્તા ફરી પાછી મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.
બીજી બાજુ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ત્રીજી વાર સત્તાના સૂત્રો સંભાળી લેવાનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો. આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચાર દરમ્યાન પોતાના શાસન દરમ્યાન વિના મૂલ્યે શરૂ કરાયેલી વિવિધ લોક કલ્યાણની યોજનાઓનો જોરશોરથી પ્રચાર કર્યાે હતો.
૨૦૧૩ સુધી સતત ૧૫ વર્ષ શાસન કરનાર કોંગ્રેસ પોતાનો ખોવાઇ ગયેલો જનાધાર પાછો મેળવવા હવાતીયા મારી રહી છે, કેમ કે દિલ્હી વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીમાં તેનો એક પણ ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયો નહોતો.
આ ચૂંટણી પ્રચાર દરમ્યાન મોટા ત્રણ પક્ષોએ એકબીજાની ટીકા કરવા અને દોષારોપણ કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરેલાં નકલી મીમ્સ, નકલી વીડિયો, નકલી ભાષણો, એક રાજકીય નેતાને શોભે નહીં એવા ભાષણો અને ઉચ્ચારણો, અને ભારે ચકાચૌંધ વાળા રોડ શોનું આયોજન કરાયું હતું જે પૂરવાર કરે છે કે આ પક્ષોએ દિલ્હીની સત્તા હાંસલ કરવા પોતાની પાસે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ભરપુર ઉપયોગ કર્યાે હતો.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી આચાર સંહિતામાં આદેશ કરાયો હતો કે વિધાનસભાનું મતદાન પૂરું થાય તેના ૪૮ કલાક પહેલાં તમામ પક્ષોએ જાહેરસભાઓ, ચૂંટણી સંબંધિત કાર્યક્રમો અ ચૂંટણીનો પ્રચાર સ્થગિત કરી દેવાનો રહેશે.
આ ચૂંટણી પ્રચાર દરમ્યાન આમ આદમી પાર્ટીએ ભાજપને ભારતીય જૂઠ પાર્ટી અને ગાલી ગલોચ પાર્ટી તરીકે નવાજી હતી, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો તેજાબી ચાબખો મારતા આમ આદમી પાર્ટીને આપ-દા ગણાવી હતી અને તેના કન્વિનર અરવિંદ કેજરીવાલને ઘોષણા મંત્રી તરીકેનું બિરૂદ આપ્યું હતું.SS1MS