પૂતળાને PPE કીટ પહેરાવી સ્મશાનમાં વિધી કરી પિતાની LIC પોલિસીનો 33 લાખનો ક્લેઈમ લીધો
પુત્રએ પિતાને મૃત બતાવી વીમા પોલિસીના લાખો રૂપિયા પડાવ્યા
(એજન્સી)અમદાવાદ, પોતાનાજ પિતાને મરણ બતાવી મોતની નોંધણી કરાવી ડેથ સર્ટિફિકેટ પણ મેળવી પુત્રએ LICમાંથી પાંચ પોલીસીના ડેથ ક્લેઈમના રૂ.૩૨.૯૪ લાખ પડાવ્યા.
છેતરપિંડીના કોર્ટ કેસોમાંથી પિતાને બચાવવા તેમના મોતનું તરકટ કરી બાદમાં પિતાના મોતની નોંધણી કરાવી ડેથ સર્ટિફિકેટ પણ મેળવી એલઆઈસીમાંથી પાંચ પોલીસીના ડેથ ક્લેઈમના રૂ.૩૨.૯૪ લાખ પણ મેળવનાર
એમબીએ પુત્રને ક્રાઈમ બ્રાન્ચે ચાર વર્ષ બાદ નવી મુંબઈના ખારઘર સ્થિત તેની મોમોઝની રેસ્ટોરેન્ટમાંથી ગ્રાહક બનીને ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ વિસ્તારમાં દુકાન ધરાવતા અને સુરત, અમદાવાદ અને વડોદરામાં છેતરપિંડીના વિવિધ કેસોનો સામનો કરી રહેલા અલથાણના વેપારી કમલેશ ઉર્ફે કમલ જેકીશન ચંદવાની એ કોર્ટ કેસોમાંથી છુટકારો મેળવવા અને બાકી લોન નહીં ભરવા તેમજ રૂ.૫ લાખની બે લોન પકવવા પુત્ર વરુણ સાથે મળી પોતાનું જ ડેથ સર્ટીફીકેટ બનાવી રજૂ કર્યું હતું.
જોકે, મોતનું નાટક કરનાર વેપારીની છેતરપિંડીનો ભોગ બનેલા વેસુના કાપડ દલાલ સંજય ખેરાડીને હકીકત જાણવા મળતા સલાબતપુરા પોલીસમાં અરજી કરી હતી અને પોલીસે તપાસ કરી ‘ મૃતક ‘ વેપારીને માર્ચ ૨૦૨૧ માં મહારાષ્ટ્રના પુના ખાતે બિયર બારમાંથી ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મોતનું નાટક કર્યા બાદ પનવેલમાં રહેતા કમલેશ ઉર્ફે કમલ ચંદવાની અને તેના પુત્ર વરુણે અલથાણની સિદ્ધિ ક્લિનિકના નામે બોગસ લેટરપેડ બનાવી
તેમાં કમલેશ ચંદવાની ૨૦ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ હાર્ટ એટેકથી મરણ પામ્યા છે તેવું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું.ત્યાર બાદ વરુણે તેના આધારે રામનાથધેલા સ્મશાન ભૂમિ ટ્રસ્ટ, ઉમરામાં કોરોનાને લીધે તે વેળા સ્મશાનભૂમિમાં મૃતદેહ પીપીઈ કીટ પહેરાવી લવાતા હોય એક પૂતળાને પીપીઈ કીટ પહેરાવી હતી.
અને ચાર મજૂરોને ભાડે કરી સ્મશાનભૂમિમાં મૃતદેહની જેમ લઈ જઈ અંતિમક્રિયા કરી હતી. બાદમાં મ્યુનિ.ના સાઉથ વેસ્ટ ઝોનમાંથી મરણનું પ્રમાણપત્ર મેળવી હાઇકોર્ટમાં રજૂ કરી આગોતરા અરજીનો નિકાલ કરાવ્યો હતો.આ બાબતનો ખુલાસો થતા માસ્ટર માઈન્ડ વરુણ ફરાર થઈ ગયો હતો.