દાંપત્યજીવનમાં વફાદારીનું તત્ત્વ ઘટતું જાય છે: એક સર્વેમાં બહાર આવ્યું
બહુ ઓછા સંબંધો સીધા રહે છે. આડા, ઊભા અને ત્રાંસા સંબંધો વધી રહ્યા છે
રિલેશનશીપ ક્રાઈસીસ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. મોટા ભાગના લોકોના સંબંધો સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. પતિ-પત્નીના દાંપત્યજીવન સામે સવાલો ખડા થઈ રહ્યા છે. એકબીજાને વફાદાર હોય એવા લોકોની સંખ્યા સતત ઘટતી જાય છે. કોઈને પોતાની વ્યક્તિથી સંતોષ નથી. દરેક પોતાની વ્યક્તિમાં પ્રોબ્લેમ જ દેખાય છે.
જોઈને આંખો ઠરે એવા કપલ્સ બહુ ઓછા થઈ રહ્યા છે. ઘણા કપલ્સ દેખાતા હોય છે. સુખી પણ વાસ્તવમાં બન્ને કેટલા ખુશ હોય છે. એ સૌથી મોટો સવાલ છે. દાંપત્યનો પણ દેખાડો થવા લાગ્યો છે. પ્રેમીઓ અને પતિ-પત્નીના સંબંધો હવે સીધા રહઢયા નથી. આડા સંબંધો આમ તો પહેલેથી ચાલ્યા આવે છે, પણ જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ આડા સંબંધોનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
સંબંધો આડા, ઊભા અને ત્રાંસા, બાંગા થવા લાગ્યા છે. હમણાંના એક-બે સરવેમાં જે વાત બહાર આવી છે. એ ચોંકાવનારી છે. લોકો હવે લગ્નેત્તર સંબંધ બાંધકામમાં કોઈ છોછ નથી રાખતા. મેરિડ લોકો મેરેજ સલામત રાખવા માંગે છે અને સાથોસાથ બીજા સંબંધો પણ બાંધે છે. દેશમાં એના પણ સંશોધનો થયા છે કે આખરે કેમ માણસને પોતાની વ્યક્તિથી સંતોષ નથી ? શું ખૂટે છે ?
ઈન્ટરનેટ ટેકનોલોજીએ બેવફાઈમાં વધારો કર્યો છે. સોશિયલ મીડિયા અને બીજી ડેટિંગ એપથી લોકો કોઈને કોઈની સાથે જોડાયેલા હોય છે. ફેન્ટસી માટે પણ લોકો બીજા સંબંધો બાંધવા લાગ્યા છે. દાંપત્યજીવન વિશે એવું કહીએ તો જરાયે વધુ પડતું નથી કે તમારી વ્યક્તિ જો માત્રને માત્ર તમારી હોય તો તમે નસીબદાર છો !
માત્ર મેરિડમેન જ આવું કરે છે એવું બિલકુલ નથી, યુવતીઓ પણ તેમાંથી બાકાત નથી. વાત માત્ર ફિઝિકલ રિલેશન્સની નથી, પણ બીજા કારણસર પણ લગ્નેત્તર સંબંધો રાખવામાં આવે છે. કોઈ કેસમાં પોતાની વ્યક્તિ પાસે સમય નથી તો કેટલાક કિસ્સામાં ઈમોશનલ નીડ અને ઈન્ટલેકચ્યુલ સેટિસ્ફેકશનના સવાલ છે. એક કપલની આ વાત છે.
બાકી બધુ બરાબર છે. કોઈ ઈશ્યુ નથી. પણ પત્નીને પતિનું બૌદ્ધિક સ્તર નીચું લાગે છે. એ કહે છે કે, વાત કરવામાં કંઈક તો ડેપ્થ હોવી જોઈએ ને ? એ તેના મિત્રો સાથે વાતો કરવા માટે સંબંધ રાખે છે ! કારણો અલગ અલગ છે. આપણા દેશમાં એ ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલા સરવેમાં એવું બહાર આવ્યું છે કે, ૬૦ ટકા મેરિડ કપલ લગ્નેત્તર સંબંધો ધરાવે છે. ૪૬ ટકા પરિણીત પુરૂષોના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. ૩૩ ટકા પુરૂષો અને તેનાથી બે ટકા વધુ એટલે કે, ૩પ ટકા સ્ત્રીઓ વર્ચ્યુઅલ ફલર્ટ કરે છે.
દેશના મોટા શહેરોમાં જ આવું બધું થાય છે એવું માનવાની પણ બિલકુલ જરૂર નથી. મેટ્રોપોલિટન સિટીમાં તો બહુ કોમન છે જ પણ નાના નાના શહેરો પણ તેમાંથી બાકાત નથી. સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સે નાના મોટા શહેરોનો ભેદ ખતમ કરી દીધો છે. લગ્નેત્તર સંબંધોના કારણે પણ જાણવા જેવા છે. આજના પતિ-પત્ની પાસે એકબીજા માટે પૂરતો સમય નથી. કપલમાંથી એક ફ્રી થાય ત્યારે બીજા પાસે સમય હોતો નથી.
વ‹કગ કપલ્સે જાગતી અવસ્થામાં ઘર કરતાં બહાર વધુ રહેવું પડે છે. કપલના રસના વિષયો જુદા જુદા છે. પતિ-પત્ની એકબીજાનો શોખ અપનાવતા નથી. એટલે એવું વિચારે છે કે એને ગમે એ ભલે એ કરે, મને ગમે એ હું કરીશ. એક સમયે બન્નેની પ્રાયોરિટીઝ સરખી રહેતી હતી, હવે બન્નેની પ્રાયોરિટીઝ પણ બદલાઈ ગઈ છે. બન્નેને એકબીજાથી જુદું કંઈક એચિવ કરવું છે.
બન્નેના ગોલ જુદા જુદા છે. લવમેરેજના કિસ્સામાં પણ એવું જોવા મળે છે કે મેરેજ પછી થોડો સમય તો ખાસ કંઈ વાંધો આવતો નથી. ધીમે ધીમે એમાં પણ કોઈને કોઈ વાતે વાંધા પડવા લાગે છે. એક બીજું રસપ્રદ કારણ એ છે કે મેરેજ વખતે પતિ-પત્ની બન્નેનું ઈન્ટલેકચ્યુલ લેવલ ઓલમોસ્ટ સરખું હોય છે જેમ જેમ સમય જાય છે તેમ તેમ બેમાંથી એક આગળ નીકળી જાય છે અને બીજું પાછળ રહી જાય છે.
એના કારણે પતિ કે પત્ની બીજી વ્યક્તિ તરફ વળે છે. બીજા એક-બે કારણો તદ્દન જુદા છે. આપણા દેશમાં અમુક જ્ઞાતિઓમાં નાની ઉંમરે મેરેજ કરી દેવામાં આવે છે. મેરેજ બાદ થોડા જ વર્ષમાં પતિ-પત્ની વચ્ચે બધુ જ એકદમ રૂટિન થઈ જાય છે. કોઈ રોમાંચ રહેતો નથી. માણસ રોમાંચ મેળવવા બહાર નજર દોડાવે છે. નાની ઉંમરે બાળક થઈ જાય
પછી પત્નીનું ધ્યાન બાળક પ્રત્યે વધુ રહે છે. જો બન્નેમાં પૂરતી અંડરસ્ટેન્ડીંગ ન હોય તો સંબંધોમાં ગેપ આવે છે અને પરિણામે માણસ બીજા સંબંધો તરફ વળે છે. સોશિયલ મીડિયાની દેખાદેખીના કારણે પણ સંબંધો આડા ફાટે છે.