આમોદ ડીજીવીસીએલના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ડીજીવીસીએલ અને તેના સમગ્ર કંપનીમાં વર્ગ ત્રણ અને ચારમાં ટેકનિકલ કેડરમાં ફરજ બજાવતાં કર્મચારીઓ જીવના જાેખમે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય અને કંપની સતત પ્રગતિ કરે તે માટે રાત દિવસ જાેયા વિના સંપૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓના પગાર ધોરણ અને પગાર ભથ્થાઓમાં વિસંગતતાઓ હોવાથી તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
જેની તેમના યુનિયન એસોસિયન દ્વારા વારંવાર રજૂઆત કરતા હતા.છતાં પણ કોઈ સંતોષકારક જવાબ નહીં મળતાં આજ રોજ ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ સૂત્રોચ્ચાર સાથે માંગણીઓ કરી હતી.દક્ષિણ ગુજરાત વીજ કંપનીની આમોદ પેટા વિભાગીય કચેરી ખાતે આજ રોજ આમોદ ડીજીવીસીએલના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી લેખીતમા માંગણી કરી હતી કે શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના કર્મચારીઓ અને એકમોમાં વર્ગ ત્રણ મુજબ ભરતી કરવામાં આવે છે.
તે મુજબ વર્ગ ત્રણ માં કર્મચારીઓનો સમાવેશ કરી તેમના ધારા ધોરણ મુજબના લાભો આપવામાં આવે,સાતમા પગાર પંચ મુજબ ટેકનીકલ કર્મચારીઓને ચૂકવવામાં આવતા ભથ્થાઓમાં જે વિસંગતતાઓ છે.
તેને દૂર કરવામાં આવે તેમજ જીવના જાેખમે અદ્રશ્ય વીજ પ્રવાહ સાથે કામગીરી કરતા હોય જેના માટે રિસ્ક એલાઉન્સનો લાભ આપવામાં આવે કેન્દ્ર સરકારની ભલામણ મુજબ સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે,બીજાે અને ચોથા શનિવારની રજાનો લાભ આપવામાં આવે,તેમજ આઠ કલાકથી વધુ કામગીરી કરવામાં આવે ત્યારે ઓવર ટાઈમનો લાભ આપવામાં આવે,અને નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓનો લાભ મળે જેવી વિવિધ માંગણીઓનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
જાે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.