કેનેડાના રાજદ્વારીઓને મળતી છૂટ 10 ઓક્ટોબર પછી પાછી ખેંચાશે
(એજન્સી)નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે વિવાદ હજુ યથાવત્ છે. આ દરમિયાન ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા અલ્ટીમેટમ આપી દીધું છે. એક અહેવાલ અનુસાર ભારતે કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે. હાલમાં ભારતમાં ૬૨ કેનેડિયન રાજદ્વારીઓ છે.
અહેવાલ મુજબ, અન્ય દેશોની તુલનામાં કેનેડાના નવી દિલ્હીમાં ઘણાં બધા રાજદ્વારીઓ છે. માહિતી અનુસાર ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા માટે ૧૦ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જાે રાજદ્વારીઓ ૧૦મી પછી અહીં રહેશે તો તમામ પ્રકારની ડિપ્લોમેટિક ઈમ્યુનિટી (રાજદ્વારીને મળતી છૂટ) ખતમ થઈ જશે.
જે લોકો વિદેશમાં રહીને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેમને રાજદ્વારી છૂટ આપવામાં આવે છે. તેનાથી વિદેશમાં આવા લોકોને કાયદાકીય રક્ષણ મળે છે. રાજદ્વારી છૂટની આ પરંપરા ઘણી જૂની માનવામાં આવે છે. આ તે દૂતને આપવામાં આવતી હતી જેઓ તેમના રાજાનો સંદેશ લઈને અન્ય રાજ્યોમાં જતા હતા.
બ્રિટાનિકા અનુસાર, રાજદ્વારી છૂટના કાયદામાં રોમન સામ્રાજ્યમાં વધુ મજબૂતી લવાઈ હતી. આજે વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને આપવામાં આવતી છૂટ ૧૯૬૧ના વિયેના કન્વેન્શનથી શરૂ થઈ છે.
ભારત સહિત ૧૮૭ દેશો વિયેના કન્વેન્શન માટે સંમત થયા હતા. તે અનુસાર તમામ ‘રાજદ્વારી એજન્ટો’ જેમાં ડિપ્લોમેટિક સ્ટાફ, વહીવટી, તકનીકી અને સેવા સ્ટાફનો સમાવેશ થાય છે. તે તમામને ગુનાહિત ક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિયેના કન્વેન્શન વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને સિવિલ કેસમાં પણ છૂટ આપે છે.