Western Times News

Gujarati News

યુએસ જવા ૪૦ લાખથી લઈને ૧.૨૫ કરોડ રૂપિયામાં ડીલ કર્યાનો ખુલાસો

અમદાવાદ, રોમાનિયાની લેજન્ડ એરલાઈન્સ કંપનીના વિમાન એરબસ એ-૩૪૦ને માનવ તસ્કરીની શંકામાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ૪ દિવસ સુધી અટકાવી રખાયું હતું.

આ વિમાનમાં કુલ ૩૦૩ ભારતીય મુસાફરો સવાર હતા. તેમાંથી ૨૭૬ મુસાફરો ૨૬ ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બાકીના ૨૭ મુસાફરો ફ્રાન્સમાં જ રહી ગયા હતા કેમ કે તેમણે ત્યાં શરણ મેળવવા અરજી કરી હતી. જાેકે હવે તે પણ પાછા આવી ગયા છે. માહિતી અનુસાર આ વિમાન દુબઇથી નિકારાગુઆ જઇ રહ્યું હતું. વિમાનમાં સવાર લગભગ એક તૃતીયાંશ લોકો ગુજરાતના હતા.

ગુજરાત સીઆઈડી ક્રાઇમ ટીમે ૩૦ મુસાફરોની પૂછપરછ કરી હતી જેમાં જાણ થઇ કે અમેરિકા જવા માટે તેમણે એજન્ટ્‌સ સાથે ૪૦ લાખથી લઈને ૧.૨૫ કરોડ રૂપિયામાં ડીલ કરી હતી. બાકીના મુસાફરોની હજુ પૂછપરછ ચાલી રહી છે. અત્યાર સુધી સીઆઈડીને ૬ એજન્ટ્‌સ વિશે પણ માહિતી મળી છે. તમામ યાત્રીઓની પુછપરછ બાદ સીઆઇડી આ એજન્ટો સામે સકંજાે કસશે.

સીઆઈડીએ જણાવ્યું કે જે યાત્રીઓની પૂછપરછ થઇ છે તે પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે કંઇ કહેવા તૈયાર નથી. તેમની પાસે નિકારાગુઆના ટુરિસ્ટ વિઝા હતા. તેમનું કહેવું છે કે તે તેઓ ફરવા જઈ રહ્યા હતા. ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ જિલ્લાના યાત્રીઓનું ૧૪ ડિસેમ્બરથી દુબઈ પહોંચવાનું શરૂ થયું હતું.

અહીંથી બધા એકસાથે નિકારાગુઆ માટે વિમાનમાં સવાર થયા. સીઆઈડીનો દાવો છે કે આ બધા લોકો નિકારાગુઆથી અમેરિકા જવાના હતા. ગુજરાત સીઆઈડીએ આ મામલે તપાસ કરવા ચાર ટીમની રચના કરી છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.