કુવૈતમાં શોષણનો શિકાર બનેલું દંપતી સ્વદેશ પહોંચ્યું

કામ પર રાખનારા વ્યક્તિએ દંપતીને ૯ બાળકોની સંભાળ સહિત ફ્લેટની સફાઈ સહિતના કામ માટે મજબૂર કર્યા
મુંબઈ, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રહેતું એક યુગલ વધુ સારી આવક મળે તથા જીવનમાં સુધારો આવે તે હેતુથી કુવૈત પહોંચ્યું હતું. જાેકે તેમનું એ સપનું ત્યાં પહોંચીને સાવ ભાંગી પડ્યું હતું. તેમના નોકરીદાતાએ તેમને બંધક બનાવીને શોષણ કરવાનું શરૂ કર્યું હતું.
ફરિયાદ અનુસાર તે દંપતી ગત ૫ એપ્રિલના રોજ એક ભરતી એજન્સીના માધ્યમથી કુવૈત પહોંચ્યું હતું. કુવૈતના એક નાગરિકે તેમને ઘરેલુ સહાયક તરીકે કામ પર રાખ્યા હતા. થાણેના તે દંપતીને માસિક ૪૦,૦૦૦ રૂપિયાનું વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમણે ઘરેલુ કામ કરવું પડશે, ભોજન બનાવવું પડશે તથા ૨ બાળકોની સંભાળ રાખવી પડશે.
કામ પર રાખનારા વ્યક્તિએ દંપતીને ૯ બાળકોની સંભાળ રાખવાની જવાબદારી સોંપી હતી તથા ૬ રૂમ ધરાવતા એક ફ્લેટની સફાઈ સહિતના અન્ય કામ કરવા માટે મજબૂર કર્યા હતા. ઉપરાંત તેમના પર દિવસના ૨૨ કલાક કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.
ખૂબ જ કામ કરવાના કારણે ભારતીય મહિલાની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેમને કુવૈતની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેમણે મુંબઈના ભાયંદરમાં રહેતી પોતાની મિત્રનો સંપર્ક સાધ્યો હતો તથા કુવૈતની હોસ્પિટલનો ફોટો શેર કરીને પોતાને તથા પોતાના પતિને બચાવી લેવા માટે વિનંતી કરી હતી.
પીડિત મહિલાની મિત્રએ એમબીવીવી પોલીસના ભરોસા સેલનો સંપર્ક સાધીને તેમને સમગ્ર બનાવથી માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ એમબીવીવી પોલીસ તથા કુવૈતમાં સ્થિત ભારતીય દૂતાવાસના પ્રયત્નોથી તે દંપતીને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે.