મકાન લેવા રાખેલા ૧૮ લાખ તસ્કરો ચોરી જતાં પરિવાર આઘાતમાં
ચાંદખેડામાં રહેતા શાહ પરિવાર પર આભ તૂટી પડ્યુંઃ મહિલા ઘરની બહાર ગઈ ત્યારે ચોરે તકનો લાભ લઈ હાથફેરો કર્યાે
અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાનું ઘરનું ઘર લેવાનું સપનું રોળાયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ મકાન લેવા રાખેલા ૧૮ લાખ રૂપિયા તસ્કરો ચોરીને જતા રહેતાં શાહ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. એક તરફ પ્રજાની સલામતીના પોકળ દાવા કરતી શહેર પોલીસની કામગીરી પર તસ્કરોએ અનેક સવાલ ઊભા કર્યા છે,
બીજી તરફ શહેરમાં તસ્કરોએ મોટેરા વિસ્તારમાં એકલી રહેતી મહિલાના ઘરમાંથી ૧૮ લાખ રૂપિયાની ચોરી કરી છે. જ્યારે શહેરકોટડા પોલીસ સ્ટેશન નજીક સિક્યોરિટી સુપરવાઈઝરના ઘરમાંથી ચાર લાખ રૂપિયાની મત્તા લઈને તસ્કરો પલાયન થઇ જતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઈ છે.
મોટેરાની નંદનવન સોસાયટીમાં રહેતાં નીતાબહેન શાહે ચોરીની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નીતાબહેનના પતિ મુંબઈ રહે છે અને તેઓ વાર-તહેવારે આવે છે. નીતાબહેનને બે દીકરા છે, જેમાં સૌથી નાનો દીકરો દીપ નીતાબહેન સાથે રહે છે તેમજ તેમનો સૌથી મોટો દીકરો સૌરભ જે ચાંદખેડામાં રહે છે. સૌરભ તેમના ઓળખીતા સાથે જમીન લે-વેચનું કામ શીખવા ઉત્તર પ્રદેશ ગયો હતો.
સૌરભ જે સોસાયટીમાં રહે છે ત્યાં નીતાબહેનને ઘર ખરીદવાનું હતું તેમજ નીતાબહેન હાલ ઘરે એકલાંજ રહેતાં હતાં. સૌરભે બચતના રાખેલા દસ લાખ તેમજ તેના પાર્ટનર પાસેથી ઉછીના લીધેલા બે લાખ તેમજ નીતાબહેને તેમની બચતના રાખેલા છ લાખ રૂપિયા એમ મળી કુલ ૧૮ લાખ રૂપિયા તેમણે બેડરૂમની તિજાેરીમાં મૂક્યા હતાં. આ વાતની જાણ ખાલી નીતાબહેનને જ હતી.
ગુરુવારે સવારે તેઓ ઘરનું તાળં મારીને ગાંધીનગર આરટીઓ ખાતે કામથી ગયાં હતાં. આ દરમિયાન બપોરના સમયે નીતાબહેનને ફોન કરીને તેમના પાડોશીએ કહ્યું કે તમારા ઘરનું તાળું ખુલ્લું છે અને તમારા ઘરની તિજાેરી ખુલ્લી છે તેમજ બધો સામાન વેરવિખેર છે. આથી નીતાબહેન તરત જ બધું કામ પડતું મૂકીને તેમના ઘરે પહોંચી ગયા હતાં.
નીતાબહેને ઘરમાં પ્રવેશ કરીને જાેયું તો તિજાેરીમાં મૂકેલા ૧૮ લાખ ગાયબ હતા. જ્યારે નીતાબહેન બહાર હતાં ત્યારે કોઈ જાણભેદુ ઘરમાં ઘૂસીને તિજાેરીમાંથી ૧૮ લાખ રૂપિયાની બિન્ધાસ્ત ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. નીતાબહેનના ઘરમાંથી રૂપિયાની ચોરી થતાં તેમનું ઘરના ઘરનું સપનું રોળાતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
મોટેેરામાં રૂ.૧૮ લાખની ચોરીની ઘટના સામે આવતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી, ત્યારે અહીં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચાંદખેડા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ચોરી કરવા માટે આવેલા તસ્કરોને શોધવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.