દીકરો જીવિત થવાની આશાએ પરિવારે દોઢ વર્ષ સુધી ઘરમાં રાખ્યો મૃતદેહ
કાનપુર, સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તે સ્વીકારવું પરિવાર માટે અઘરું બની જાય છે. ખાસ કરીને કોઈ નાની વયે મૃત્યુ પામે ત્યારે વાત પચાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ક્યારેક ગયેલું વ્યક્તિ પાછું આવશે એવી ઠગારી આશા પરિવાર પાસે શું કરાવી શકે છે, તે આ કિસ્સા પરથી ખબર પડશે.
ગત વર્ષે એપ્રિલ મહિનામાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર દરમિયાન ૪૮ વર્ષીય ઈનકમ ટેક્સ ઓફિસર વિમલેશનું નિધન થયું હતું. પરંતુ તેના કાનપુર સ્થિત ઘરમાં આજે પણ તેનો દેહ લાકડાના પલંગ પર મૂકી રાખવામાં આવ્યો છે કારણકે તેના પરિવારનું માનવું છે કે તે જીવિત થશે.
૧૮ મહિનાથી ઘરમાં મૂકી રાખેલો મૃતદેહ તદ્દન હાડપિંજર જેવી અવસ્થામાં શુક્રવારે પોલીસે જપ્ત કર્યો હતો અને મેડિકલ તપાસ માટે લાલા લાજપત રાય હોસ્પિટલમાં મોકલ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદના ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો કર્મચારી વિમલેશ કાનપુરના રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતાં કૃષ્ણપુરી સ્થિત ઈનકમ ટેક્સ ચૌરાહામાં આવેલા મકાનમાં પત્ની મિતાલી સાથે રહેતો હતો. મિતાલી એક કો-ઓપરેટિવ બેંકમાં નોકરી કરી છે.
વિમલેશનું મૃત્યુ ૨૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ થયું હતું. ખાનગી હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરીને ડેથ સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. જાેકે, તેનો પરિવાર આ વાત સ્વીકારવા તૈયાર નહોતો, જેથી તેઓ તેનો મૃતદેહ લઈને બીજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ત્યાં પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર પછી વિમલેશનો પરિવાર તેના મૃતદેહને ઘરે લઈને આવ્યો અને લાકડાના પલંગ પર મૂકી દીધો. તેઓ દરરોજ તેના શરીર પર ગંગાજળ છાંટતા હતા. જ્યારે પણ કોઈ તેમને વિમલેશ અંગે પૂછે તો તેઓ કહેતા કે, તે કોમામાં છે અને તેની સારવાર ચાલી રહી છે.
પાડોશીઓનું કહેવું છે કે, વિમલેશની ખરેખર સારવાર ચાલી રહી છે તેવું દર્શાવવા માટે પરિવારજનો ઓક્સિજન સિલિન્ડર પણ લઈ આવ્યા હતા. વિમલેશ ખાસ્સા વખત સુધી ડ્યૂટી પર હાજર ના થતાં અમદાવાદના ઈનકમ ટેક્સ વિભાગે કાનપુરના અધિકારીઓને આ અંગે તપાસ કરવા મોકલ્યા અને સમગ્ર કિસ્સા પરથી પડદો ઊંચકાયો.
ચીફ મેડિકલ ઓફિસર આલોક રાજને કહ્યું, “જ્યારે પણ આઈટી ડિપાર્ટમેન્ટ તેના પરિવારને વિમલેશ વિશે પૂછતો ત્યારે તેઓ બીમાર હોવાનું કહેતા હતા. જે બાદ ડિપાર્ટમેન્ટે કાનપુર જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો અને તેમણે અમને તપાસ કરવાનું કહ્યું હતું. અમારી ટીમ શુક્રવારે વિમલેશના ઘરે પહોંચી હતી. જાેકે, પરિવાર સતત વિરોધ કરી રહ્યો હોવાથી અમારે પોલીસની મદદ લેવી પડી.
આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સવાલ કર્યા ત્યારે વિમલેશના પરિવારના સભ્યોએ મૃતદેહ લઈ જવા દેવાનો ઈનકાર કરતાં મક્કમતાથી કહ્યું કે, તે જીવતો છે.SS1MS