ગોઝારિયાની સ્કૂલમાં ૭ર વર્ષ પહેલાં વ્યાયામવીરનું બિરુદ મેળવનારના પરિવારે 21 લાખનું દાન કર્યું
દાનની રકમના વ્યાજમાંથી ગોઝારિયાની હાઈસ્કૂલમાં દર વર્ષે વાર્ષિક રમતોત્સવ યોજાશે
મહેસાણા, ૭ર વર્ષ અગાઉ ગોઝારિયાની સ્કૂલના વિદ્યાર્થીને વ્યાયામવીરનું બિરૂદ મેળવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીના પરિવારે એ જ સ્કૂલના બાળકો રમત-ગમત ક્ષેત્રે આગળ વધી વીર બને તે માટે સંસ્થામાં રૂ.ર૧ લાખનું દાન કર્યું છે. દાનની રકમના વ્યાજમાંથી દર વર્ષે સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત કેળવણી મંડળના એક સભ્યએ રમતગમતના સાધનો માટે રૂ.પ લાખનું દાન આપ્યું છે.
ગોઝારિયાની એમ.કે. પટેલ હાઈસ્કૂલમાં આજથી ૭ર વર્ષ પૂર્વે એટલે કે ૧૯પરમાં અભ્યાસ કરી રહેલાં પટેલ ચીમનભાઈ હીરાલાલ વિદ્યાર્થીકાળમાં અનેક રમતોમાં પ્રથમ નંબર મેળવતા હતા. જેને લઈ તેમને જે તે સમયે વિજાપુર તાલુકાના સૌ પ્રથમ વ્યાયામવીરનું બિરૂદ આપવામાં આવ્યું હતું. પિતાની જેમ હાલમાં અને ભવિષ્યના વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે ચીમનભાઈ પટેલના પરિવારે રૂ.ર૧ લાખનું દાન આપ્યું છે.
કેળવણી મંડળના પ્રમુખ કે.કે. પટેલના જણાવ્યા અનુસાર દાનની આ રકમને ફિક્સ ડિપોઝીટમાં મુકી તેના વ્યાજમાંથી સંસ્થામાં દર વર્ષે વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવશે. તેમજ રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને આગળ વધવા પ્રોત્સાહિત કરાશે. આ વર્ષે યોજાયેલા રમતોત્સવમાં ૪પ૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. કેળવણી મંડળના પંકજભાઈ પટેલ દ્વારા રમતગમતના સાધનો માટે રૂ.પ લાખનું દાન અપાયું છે. વાર્ષિક રમતોત્સવમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ ડો. માણેકલાલ પટેલ સહિત મંડળના સભ્યો હાજર હતા.