હોલસેલ વેપારીનો પરિવાર સંયમના માર્ગે આગળ વધશે
કચ્છ, અહિંસા માટે જાણીતા જૈન સમાજમાં અનેક લોકો સંયમના માર્ગે પ્રયાણ કરતા હોય છે. ત્યારે ભુજમાં અગાઉ ક્યારેય ન બન્યો હોય તેવો પ્રસંગ જૈન સમાજમાં બનવા જઈ રહ્યો છે. ભુજના ઇતિહાસમાં પહેલી વખત અજરામર સંપ્રદાયના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડ બે ચોવીસી જૈન સમાજમાં સર્વપ્રથમ એક જ પરિવારના તમામ સભ્યોની જૈન ભાગવતી દીક્ષા ગ્રહણ કરશે.
ઉજ્જવળ ગુરુણી મૈયાના આશીર્વાદથી ભુજના મુમુક્ષુ પિયૂષ કાંતિલાલ મહેતા, તેમના પત્ની પૂર્વીબેન, પુત્ર મેઘકુમાર અને ભાણેજ ક્રિશકુમાર નીકુંજ મહેતા ભાગવતી દીક્ષા અંગીકાર કરવાના છે. શહેરના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે તેમના દીક્ષા ગ્રહણનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે.
રેડિમેડ હોલસેલના વેપારી પિયૂષભાઈના પત્ની પૂર્વીબેને મહાસતીજીના સંસર્ગમાં આવી સંયમ માર્ગે પ્રયાણ કરવાનો વિચાર આવ્યો હતો. જે બાદ તેમના પુત્ર મેઘકુમાર અને પતિ પિયૂષભાઈ તેમજ ભાણેજ ક્રિશે પણ ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈ સહજભાવે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ધાર કર્યો હતો.
અજરામર સંપ્રદાયના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડ બે ચોવીસી જૈન સમાજમાં એક જ પરિવારના ચાર સભ્ય સંયમ માર્ગે પ્રયાણ કરવાના હોતાં સમગ્ર જૈન સમાજમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રામવાવ પરિવારમાં ૧૯ લોકોએ દીક્ષા લીધી છે. આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં પણ આ જ સમાજની આઠ સગી બહેનોએ એકસાથે દીક્ષા લીધી હતી. આ દીક્ષા પ્રસંગે કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરત અને મુંબઈથી ૫૫થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો ઉગ્ર વિહાર કરી ભુજ આવ્યા છે.SS1MS