ખેતીની જમીનો ડૂબાણ સાથે ધોવાણ થતા ખેડૂતએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
વળતરની માંગ કરવા સાથે ગોલ્ડન બ્રિજથી ઝાડેશ્વર નીલકંઠેશ્વર સુધીના નર્મદાના કાંઠા વિસ્તાર પ્રોટેક્શન વોલ બનાવવા માંગ
(પ્રતિનિધિ) ભરૂચ, પૂરના પાણીમાં ખેતીની જમીનો ડૂબાણ સાથે ધોવાણ થતા ખેડૂત પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગ કરવા સાથે ગોલ્ડન બ્રિજથી ઝાડેશ્વર નીલકંઠેશ્વર સુધીના નર્મદાના કાંઠા વિસ્તાર પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગ કરી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ માંથી ડાઉનસ્ટ્રીમમા પાણી છોડવામાં આવતા ભરૂચ જીલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાય છે.નદીમાં પુરના પાણી આસપાસના કાંઠા વિસ્તારની જમીનોમાં પ્રવેશી જતા દર વર્ષે કેટલાય ખેડૂતોની જમીનનું ધોવાણ થતાં મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કાંઠે વસતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચાલુ વર્ષે નર્મદા નદીમાં આવેલ પુરના પાણીના કારણે ખેતરો ડૂબાણ તથા જમીનનું ધોવાણ થયા બાબતે રાહત અને વળતર મેળવવાની માંગ કરી છે.
ખેડુતોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે.સાથે સાથે આગામી સમયમાં ભાડભૂત બેરેજ યોજના પણ બનવા જઈ રહી છે.
જેના કારણે નદીમાં પાણીનું સંગ્રહ રહેશે તેના પગલે ભરૂચના નદી કાંઠે ખેતરોને નુકશાનીની શક્યતાઓ જાેવાઇ રહી છે.જે પહેલા ગોલ્ડન બ્રિજથી ઝાડેશ્વર નીલકંઠેશ્વર સુધીના નર્મદાના કાંઠા વિસ્તાર પ્રોટેક્શન વોલ દીવાલ સરકાર દ્વારા બાંધવામાં આવે તો ખેડૂતોને થતા નુકશાન માંથી મુક્તિ મળી શકે તેમ છે.
ખેડૂત પરિવારોએ આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યાઓનો વહેલી તકે તંત્ર દ્વારા ઉકેલ લાવવાની માંગ સાથે જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.