ખેડૂતોએ સ્વખર્ચે કેનાલ રીપેર કરાવી, પણ તંત્ર પાણી આપતું નથી
લખતર, ખેડૂતોને ખેતર સુધી પાણી મળી રહે તે આશયથી રાજય સરકાર દ્વારા માઈનોર સબમાઈનોર જેવી કેનાલ બનાવવામાં આવી છે. પરંતુ આ અમુક જગ્યાએ કેનાલના કામ નબળા થયા હોવાથી ગાબડાં પડે છે. તો કોઈ જગ્યાએ અધિકારીઓના વાંકે ખેડૂતોને પાણી મળી રહયું ન હોવાથી પાકને નુકશાન થવાની ભીતી રહે છે. આવો જ કંઈક ઘાટ લખતર તાલુકાના ઝમર ગામની સીમમાં જોવા મળે છે.
ઝમર ગામનાં ખેડૂતોને ખેતી માટે પાણી ન મળતું હોવાની ફરીયાદ ખેડૂતોએ તેઓએ તાત્કાલીક અસરથી પાણી મળી રહે તેવા આદેશો આપ્યા હતા. પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા હાલ કોઈ ખર્ચની જોગવાઈ ન હોવાનું જણાવતા ખેડૂતોએ પોતે લગભગ દોઢથી બે લાખના ખર્ચ કરી પાણી મળી રહે તે ખર્ચ તેમાંથી નીકળી જશે તેવા આશયથી ખર્ચ કરી કેનાલ રીપેર કરાવી હતી.
પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા પાણી બે દિવસ છોડી ફરી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોએ આ અંગે તાલુકા મામલતદારને રજુઆત કરી હતી. તેમ છતાં નિરાકરણ ન આવતાં ખેડૂતો ફરી કલેકટરને રજુઆત કરી હતી.
આ અંગે ઝમર ગામનાં ખેડૂતોએ જણાવ્યું કે, જયાં કેનાલ રીપેર કરવાની હતી તે અમારી પાસે અમારા ખર્ચે કરાવી લીધી અને હવે પાણી છોડવાની ના પાડે છે. એક બાજુ કુદરતનો માર અને બીજી બાજુ આવા અમલદારનો માર ખેડૂતોને તો બેય બાજુથી મરો જ છે. આમ ખેડૂતોને હિત માટે બનાવેલ કેનાલોમાં અધિકારીઓના લીધે પાણી ન મળતાં ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે.