13 કલાકે કાબૂમાં આવી જંબુસરના સારોદ ગામે લાગેલી આગ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર તાલુકાના સારોદ ગામના ભાઠામાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હોવાના તથા આ ભાઠા નજીકમાં આવેલ કેમિકલ કંપની સુધી આગ ન પ્રસરે તે માટે કંપનીના ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા જે ૧૩ કલાકની જહેમત બાદ કાબૂમાં આવી હતી.
હાલ ગરમી તેની પારાકષ્ટાએ પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. આવા સમયે ઉજ્જડ અને વેરાન વિસ્તારોમાં પણ આગ ઓકતી ગરમી તેની પ્રતિકૂળ અસર વર્તાવી રહી છે.ત્યારે ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે સેઝની હદ બહાર આવેલ ભાઠામા ગુરૂવારની સાંજના અરસામાં એકાએક આગ લાગી હતી.
જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સેઝમાં આવેલ પી.આઈ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના અધિકારીઓને જાણ થતા તેઓએ તેમની ફાયર બ્રિગેડની ટીમને આગને કાબુમાં લેવા રવાના કરી હતી.પી.આઈ ઈન્ડસ્ટ્રીઝ કંપનીથી આગ અંદાજે અડધા કિલો મીટર દુર વિકરાળ સ્વરૂપમા હોઈ તેને આગળ વધતી અટકાવવા તથા આગને કાબુમા લેવા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત કરી હતી.
તો વિકરાળ આગના બનાવની જાણ જંબુસરના વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરીને થતા તેઓની સુચના હેઠળ વેડચ પોલીસ મથકના બીટ જમાદાર સહિત સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી જઈ ચાંપતી નજર રાખી રહ્યા હતા.ભયંકર આગના પગલે મામલતદાર સહિતની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી હતી.જાેકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ પણ રાહત અનુભવી હતી.