સૌરાષ્ટ્રનું પ્રથમ ચર્ચ જ્યાં મધર ટેરેસાએ પણ કરી હતી મુલાકાત
અમદાવાદ, પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મ જયંતી નિમિત્તે રાજકોટ શહેરમાં અત્યારે ઝગમગાટ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ક્રિસમસની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આજે અમે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા બનેલા ચર્ચા વિશે જણાવીશું કે, જ્યાં એક સમયે મધર ટેરેસા પધાર્યા હતા.
રાજકોટમાં મોટાભાગના લોકો શહેરના કાલાવડ રોડ પર આવેલા પ્રેમ-મંદિર તરીકે જાણીતા ચર્ચથી પરિચિત હશે. પરંતુ આજે અમે તમને માત્ર રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ ચર્ચ વિશે જણાવીશું કે, જે મોચીબજારમાં સ્થાપ્યું હતું. આ ચર્ચની સ્થાપના બ્રિટિશકાળથી થયેલી છે. વર્ષ ૧૮૫૪માં બ્રિટિશકાળમાં અહીં ચર્ચની સ્થાપના કરવામાં આવી.
આ સમયે જ અહીં સૌથી પહેલી વખત પ્રાર્થના કરવામાં આવી હતી. આ ૧૬૯ વર્ષ જૂનું ચર્ચ છે, જે રાજકોટ શહેરના મોચીબજારમાં આવેલું છે. આ ચર્ચ ‘ઈમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ’ના નામથી ઓળખાય છે. ઈમેક્યુલેટ કન્સેપ્શન નામના ચર્ચમાં એક સમયે એટલે કે, વર્ષ ૧૯૮૫થી ૧૯૮૭ દરમિયાન અહીં મધર ટેરેસા પધાર્યા હતા અને તેમણે રાત્રી રોકાણ પણ કર્યું હતું.
કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ આજે પણ આ ચર્ચમાં આવે છે અને પ્રાર્થનામાં ભાગ લે છે. રાજકોટમાં કુલ ૫ ચર્ચ છે, સૌથી પહેલું ચર્ચ મોચીબજારમાં આવેલું છે જે પછી આઈ.પી.મિશન સ્કૂલમાં ચર્ચ, કાલાવડ રોડ પર આવેલું પ્રેમ મંદિર, શ્રોફ રોડ પર આવેલું ચર્ચ અને જામનગર રોડ પર એક ચર્ચ છે, એમ કુલ ૫ ચર્ચ છે.SS1MS