Western Times News

Gujarati News

ઓલપાડની ઉમરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉમળકાભેર ઉજવાયો

હાંસોટ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ઉમરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તા.૧૫/૧/૧૮૭૨ નાં રોજ સ્થપાયેલી આ શાળા ૧૫૧ વર્ષ પૂર્ણ કરી ૧૫૨ માં વર્ષમાં પગરવ માંડી રહી છે. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં શિક્ષકગણે કેક કાપી શાળાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શાળાનાં બાળકોએ આ પ્રસંગને ગગનભેદી ચિચિયારીઓ સાથે વધાવ્યો હતો. આ તકે શાળાનાં બાળકોને તિથિભોજન પણ આપવામાં આવ્યું હતું.

શાળાનાં ઉપશિક્ષક વિપુલ ત્રિવેદીએ શાળાનો સ્થાપનાથી લઈને આજદિન સુધીનો ચિતાર રજૂ કરી ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શાળા ગામનું ઘરેણું છે. આ શાળાએ ગામને ઘણાં ખમતીધર નાગરિકો આપ્યા છે. શાળા ગામની લીલીસૂકીમાં સાક્ષી બની છે. શાળાનાં આચાર્યા બેલા પટેલે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમો શાળામાં આવતા બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ ત્યારે ગામનું બાળક ગામની જ શાળામાં ભણે એ અપેક્ષિત છે. ઉજવણીનાં ભાગરૂપે રાત્રિ દરમિયાન ગામની પટેલ સમાજની વાડીમાં શાળા દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.