મિત્રને પતિએ હથોડીના ઘા મારી પતાવી દીધો
થાણે, મહારાષ્ટ્રના થાણેમાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર બળાત્કાર કરનાર મિત્રની હત્યા કરી દીધી છે. આરોપીએ પહેલા તેના મિત્રને ઘરે બોલાવ્યો અને પાર્ટીનું આયોજન કર્યું, ખૂબ દારૂ પીવડાવ્યો અને જ્યારે તે સૂઈ ગયો, ત્યારે તેણે તેના માથા પર હથોડીના મરણતોલ ઘા ફટકાર્યા, જેના પરિણામે તેનું મૃત્યુ થઈ ગયું હતું.
પોલીસે ૩૦ વર્ષીય હત્યાના આરોપીની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તેના મિત્રએ તેની પત્ની પર બળાત્કાર ગુજાર્યાે ત્યારે તેણે તેને આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી હતી. જોકે, પીડિતાએ કોઈક રીતે હિંમત ભેગી કરી અને તેના પતિને આ વિશે જણાવ્યું હતું.
ત્યારબાદ, બંનેએ સાથે મળીને બળાત્કારના આરોપીને પાઠ ભણાવવા માટે એક યોજના ઘડી કાઢી હતી. ૩૦ વર્ષીય આરોપી પતિ રવિ (નામ બદલ્યું છે) બદલાપુર વિસ્તારના શિરગાંવનો રહેવાસી છે અને એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. તેને ૨૯ વર્ષીય રાજેશ (નામ બદલ્યું છે) સાથે સારી એવી મિત્રતા હતી. રાજેશ તેના ઘરે પણ આવતો જતો રહેતો હતો.
બદલાપુર પૂર્વ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું હતું કે જ્યારે રવિની પત્ની ઘરે એકલી હતી, ત્યારે રાજેશે ઘરે આવીને તેની પર દુષ્કર્મ ગુજાર્યાે હતો.
એટલું જ નહીં, તેણે પીડિતાને આ વિશે કોઈને પણ જાણ ન કરવાની ધમકી પણ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કહ્યું યોજના મુજબ, રવિએ ૧૦ જાન્યુઆરીએ રાજેશને પાર્ટી માટે બોલાવ્યો અને તેને ખૂબ દારૂ પીવડાવ્યો.નશામાં ધૂત થયા બાદ, રાજેશ તે દિવસે રવિના ઘરે જ રોકાઈ ગયો હતો. ત્યારબાદ, રવિએ તેના માથા પર હથોડીના ઉપરાઉપરી ઘા ફટકાર્યાં હતાં.
બીજા દિવસે સવારે, રવિએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે રાજેશ બાથરૂમમાં પડી જતાં તેનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, ત્યારે મૃતકના માથા પર કોઈ ભારે વસ્તુથી હુમલો કરાયો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે રવિની કડક પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.SS1MS