એપ્રિલમાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 27.45 ટકાનો વધારોઃ GJEPC

મુંબઇઃ એપ્રિલ મહિનામાં અગાઉનાં વર્ષનાં એપ્રિલની સરખામણીમાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 268.50 મિલિયન ડોલરથી 27.45 ટકા વધીને 342.27 મિલિયન ડોલર થઈ હતી.
એપ્રિલ મહિનામાં અગાઉનાં વર્ષનાં એપ્રિલની સરખામણીમાં જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર નિકાસ 11.37 ટકા વધીને 2074.85 મિલિયન ડોલર થઈ હતી. જોકે, ગોલ્ડ જ્વેલરી (પ્લેઇન અને સ્ટડેડ બંને)ની કુલ નિકાસ 646.97 મિલિયન ડોલરથી 11.03 ટકા વધીને 718.34 મિલિયન ડોલર થઈ હતી.
જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે (The Gem & Jewellery Export Promotion Council Chairman Vipul Shah) જણાવ્યું હતું કે, “ખાસ કરીને યુએઇ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (CEPA) બાદ પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં નોંધપાત્ર વૃધ્ધિ નોંધાઈ છે. જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેનો અમને આનંદ છે. યુએઇ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથેનાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) માંથી લાભની આશા છે ત્યારે આગામી વર્ષોમાં વેપારમાં હજુ વૃધ્ધિ થવાની અમને આશા છે.
એપ્રિલ મહિનામાં જ પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 27.45 ટકા વધીને 342.27 મિલિયન ડોલર થઈ છે. આ ઉપરાંત, સ્ટડેડ જ્વેલરીની નિકાસ પણ પ્રોત્સાહક સંકેત આપે છે, જે ગયા વર્ષનાં એપ્રિલની નિકાસની સમકક્ષ છે.
અમે ભવિષ્ય અંગે આશાવાદી છીએ અને આગામી વર્ષમાં ડાયમન્ડ અને સિલ્વર જ્વેલરીમાં વૃધ્ધિની અપેક્ષા રાખીએ છીએ.” શાહે વધુમાં ઉમેર્યું કે, “નિકાસને વધારવા માટે અમે મજબૂત પ્રોત્સાહન યોજના ઘડી છે, જેમાં નવાં બજારોમાં ખેડાણ પર ભાર મૂક્યો છે. વધુમાં, અમે નેચરલ ડાયમન્ડ કાઉન્સિલ (NDC) અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)નાં સહયોગમાં અનુક્રમે ડાયમન્ડ અને ગોલ્ડ જ્વેલરીનાં પ્રમોશન માટે રોકાણ કરી રહ્યા છીએ”
એપ્રિલ, 2024માં સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 0.62 ટકા ઘટીને 376.06 મિલિયન ડોલર થઈ હતી, જે અગાઉનાં વર્ષનાં સમાન ગાળામાં 378.41 મિલિયન ડોલર હતી.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, એપ્રિલ 2024માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડની કુલ નિકાસ 1154.8 મિલિયન ડોલર હતી, જે એપ્રિલ 2023ની 1378.38 ટકાની સરખામણીમાં 16.76 ટકા ઓછી છે. સિલ્વર જ્વેલરીની નિકાસ પણ 65.11 મિલિયન ડોલરથી 32.98 ટકા ઘટીને 43.63 મિલિયન ડોલર થઈ હતી. જોકે, પ્લેટિનમ જ્વેલરીની કુલ નિકાસ 3.52 મિલિયન ડોલરથી 281.1 ટકા વધીને 13.41 મિલિયન ડોલર થઈ હતી.
વધુમાં, કલર્ડ જેમસ્ટોનની કુલ નિકાસ 38.38 મિલિયન ડોલરથી 35.39 ટકા ઘટીને 24.8 મિલિયન ડોલર થઈ હતી. આ જ રીતે, એપ્રિલ 2024માં પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમન્ડની કુલ નિકાસ 102.4 મિલિયન ડોલરથી 18.2 ટકા ઘટીને 83.77 મિલિયન ડોલર થઈ હતી.