બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વરઓએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી

(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૫ ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રીને જિલ્લાની સમગ્ર ચૂંટણી લક્ષી કામગીરી, વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા કલેકટર કચેરીના હોલ ખાતે ઓબ્ઝર્વરશ્રીઓની એક બેઠક યોજાઈ હતી.
જેમાં કલેકટરશ્રી આનંદ પટેલે જિલ્લાની રાજકીય, ભૌગોલિક પરિસ્થિતિ અને સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા ઓબ્ઝર્વરશ્રીઓને માહિતગાર કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ, સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી હતી. ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજન અંગે ઓબ્ઝર્વરશ્રીઓને માહિતગાર કરાયા હતા.
જનરલ ઓબ્ઝર્વરશ્રી પ્રભજાેત સીંગ, શ્રી ઓમ પ્રકાશ વર્મા, શ્રી રામ કેવલ, શ્રી ડો. અંશજ સીંગ, શ્રી જગદીશ પ્રસાદ તેમજ પોલીસ ઓબ્ઝર્વરશ્રી અપર્ણા કુમારે તમામ નોડલ અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી ને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ ટિમ બનાસકાંઠાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી ટિમ બનાસકાંઠાને વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપનીલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એન.પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઈ. શેખ તથા વિવિધ નોડલ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.