શહીદ પરિવારના આંસુ લૂછવાનો એક મોકો યુવતીએ ઝડપી લીધો
મહેસાણાના વીર શહીદના પરિવારની નડિયાદની વિધિએ મુલાકાત લઇ રૂ.૧૧૦૦૦/- અર્પણ કર્યા
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહેસાણા જિલ્લાના સુલીપુર ગામના એક શહીદ જવાનના પરિવારને નડિયાદની વિધિ જાદવે વધુ એક વખત મદદ પહોંચાડી છે શહીદ પરિવારના આંસુ લૂસવાનો વધુ એક મોકો તેણીએ ઝડપી લીધો હતો ગુજરાતના મહેસાણા જિલ્લાના સુલીપુર ગામના ૨૭ વર્ષીય રાયસંગજી ઠાકોર સિક્કિમખાતે ફરજ બજાવતા હતા.
તેઓ ૨૦૧૭ માં આર્મીમાં જાેડાયા હતા. તા. ૧/૪/૨૦૨૩ ના રોજ ફરજ દરમિયાન આર્મીની ટ્રક અકસ્માતે સિક્કિમની તીસતા નદીમાં ખાબકતા તેઓ લાપત્તા બન્યા હતા. પરંતુ ગહન શોધ બાદ આ વીર જવાનોનો પાર્થિવ દેહ તા. ૫/૪/૨૦૨૩ ના રોજ મળ્યો હતો
વિધિ જાદવએ આ વીર શહિદ સૈનિકના પરિવારની મુલાકાત લઈ, સાંત્વના પાઠવી રૂ.૧૧૦૦૦/- અર્પણ કર્યા હતા આ મુલાકાત દરમિયાન વિધિએ જણાવ્યું કે શહીદ સૈનિક રાયસંગજી ઠાકોરના પિતા સવાજીભાઈ ખેતમજૂર છે. તેઓના નામે કોઈ જમીન નથી. આ પિતાને બે પુત્ર અને બે નાની દિકરીઓ છે.
તેઓનો એક મોટો પુત્ર પણ ખેત મજુરી કરે છે. જ્યારે આ શહીદ થયેલા સૈનિક પુત્ર એક માત્ર આધાર હતા. હજુ બે નાની દિકરીઓના લગ્ન કરવાના બાકી છે. આ શહીદ સૈનિકને આઠ માસનો પુત્ર છે. તેઓને એક ઓરડાનું નાનકડું પતરા વાળું મકાન છે જે આ શહીદ પુત્રએ મહામહેનતે બનાવ્યું હતું.
રાયસંગજી ઠાકોરનું અવસાન તાજેતરમાં ગંગટોક પાસે થયેલા એક અકસ્માતમાં થયું હતું. આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં આવા દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમની સંવેદનાના દુઃખને હળવું કરે છે.
શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિ આત્મીયતા અને સંવેદનાથી મળે છે અને પોતાપણું બતાવે છે. વિધિના આગમનને દરેક શહિદ પરિવારે હર્ષ, આનંદ અને ગર્વથી વધાવે છે.વિધિની વિદાય વેળાએ આ પરિવારોના ગર્વમાં છુપાયેલી વેદના પણ જાેવા મળી છે.
વિધિ જાદવના માનવતા અને સંવેદનાસભર આ વિરાટકાર્યને સમાજે બિરદાવી શહીદ વીરોના પરિવારો માટેના રાષ્ટ્રભક્તિના આ યજ્ઞમાં આર્થિક આહુતિ આપી શહીદ સૈનિક પરિવારોને મદદરૂપ થઈ દેશનું ઋણ અદા કરવું જાેઈએ. નડિયાદની વિધિ જાદવ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ થયેલા આપણા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાત લઈ ચૂકી છે.વિધિ જાદવે અત્યાર સુધી ૧૫૪થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.