યુવતીને ઇમોશનલ બ્લેકમેલ કરી ખોટા પુરાવાથી લગ્ન કર્યાં

અમદાવાદ, સુરેન્દ્રનગરના યુવકે એક યુવતીને સરકારી નોકરીની લાલચ આપીને મિત્રતા કેળવી હતી. બાદમાં યુવકે લગ્નનો પ્રસ્તાવ મૂકીને ઝેરી દવા પીવાનું નાટક કરીને ઇમોશનલ બ્લેકમેઇલ કરી હતી. જે બાદ યુવક આ યુવતીને મિરઝાપુર કોર્ટ સામે આવેલા ક્રિષ્ના મેરેજ બ્યુરોમાં લઇને આવ્યો હતો અને ત્યાં લગ્ન કર્યા હતા.
જોકે, યુવકના અગાઉ લગ્ન થયા હતા અને તેણે છૂટાછેડા લીધા હોવાનું ધ્યાને આવતા યુવતીએ સંબંધ કાપી દેવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો. યુવકે લગ્નના કાગળો યુવતીના ઘરે મોકલીને બદનામ કરવાનો પ્રયાસ કર્યાે હતો. લગ્નના કાગળોમાં ચેડા કર્યાં હોવાનું સામે આવતા યુવતીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગરની ૨૬ વર્ષીય ધારા (નામ બદલેલ છે) નામની યુવતી સીએચસી કેન્દ્રમાં નોકરી કરતી હતી ત્યારે વિકી દેવૈયા (રહે. સુરેન્દ્રનગર) સાથે પરિચય થયો હતો. વિકીએ ધારાને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને પરિચય કેળવ્યો હતો.
બાદમાં ધારાના ડોક્યુમેન્ટ લઇને તેને એક હોસ્પિટલમાં નોકરી પર લગાવવાનું કહીને સીએચસી સેન્ટરમાં નોકરી અપાવી હતી. જ્યાં વિકીના પિતા પણ નોકરી કરતા હતા. દરમિયાનમાં વિકી દુઃખી હોવાનું કહીને સંઘર્ષ કરતો હોવાની લાગણીશીલ વાતો કરીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ, ધારાએ લગ્નની મનાઇ કરતા તેણે નોકરીના સ્થળે ગેરવર્તન કરીને અપશબ્દો બોલતો હતો.
ત્યારબાદ વિકીએ માફી માગતા ધારાને મિત્રતા રાખવાની વાત કરીને દવા પીવાનો ઢોંગ કરીને લગ્ન માટે દબાણ કર્યું હતું. વર્ષ ૨૦૨૩માં ધારા વિકી સાથે અમદાવાદ આવી ત્યારે વિકી તેને મિરઝાપુર કોર્ટ પાસેના ક્રિષ્ના મેરેજ પોઇન્ટ નામની ઓફિસ ખાતે લઇ ગયો હતો. જ્યાં ફોટો પાડીને સહી લઇને અંગુઠાના નિશાન લીધા હતા.
ત્યારબાદ વિકીએ પરિવારના સભ્યોને વાત કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરીશું તેવી ખાતરી આપી હતી. પરંતુ, ત્યારબાદ વિકી ધારાની નોકરીના સ્થળે આવીને ઘરે આવી જવા માટે દબાણ કરતો હતો.
બીજી તરફ તેને જાણવા મળ્યું હતું કે વિકીના અગાઉ લગ્ન થયા હતા અને તેના છૂટાછેડા થઇ ગયા હતા તેમજ તેને સંતાનમાં એક દીકરી છે. આ વાતની જાણ થતા ધારાએ વિકી સાથે વાત ન કરવા કહેતા વિકીએ લગ્નના કાગળ ધારાના ઘરે મોકલીને બદનામ કરવાનો પ્રયાસ કર્યાે હતો.
પરંતુ, લગ્નના કાગળ જોયા ત્યારે રજિસ્ટ્રેશનની તારીખમાં ચેડા થયેલા જોઇને ચોંકી ઊઠી હતી. વિકીએ લગ્ન માટે ખોટા પુરાવા પણ આપ્યા હતા. શાહપુર પોલીસે વિકી દેવૈયા અને મેરેજ બ્યૂરો સામે ગુનો નોંધ્યો છે.SS1MS