કેનેડા પહોંચીને પતિને તરછોડનારી યુવતી જેલમાં
લુધિયાણા, પતિ તેમજ સાસરિયાના પૈસે વિદેશ પહોંચીને ઘણી યુવતીઓ પોતાનો અસલી રંગ બતાવતી હોય છે, અને આવી સ્થિતિમાં વહુને વિદેશ મોકલવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરનારા સાસરિયાને પસ્તાવાનો વારો આવતો હોય છે. આવા જ એક કેસમાં કેનેડા પહોંચ્યા બાદ પતિ સાથે વાતચીત કરવાનું બંધ કરી દેનારી એક યુવતીને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
પંજાબના આ કેસમાં કેનેડા જઈને પતિ તેમજ સાસરિયા સાથે તમામ સંબંધ તોડી નાખનારી યુવતી ઈન્ડિયા પાછી આવી ત્યારે તેની એરપોર્ટ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી, આ યુવતીને પંજાબ પોલીસે કોર્ટ સમક્ષ હાજર કરતાં તેને એક દિવસના રિમાન્ડ બાદ જેલભેગી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતાં જ પોલીસના હાથે ઝડપાયેલી આ યુવતીની ઓળખ જાસ્મિન કૌર તરીકે કરવામાં આવી છે, જે લુધિયાણાના દોરાહા શહેરની છે.
આ ચોંકાવનારા કેસની વિગતો કંઈક એવી છે કે પંજાબના લુધિયાણા જિલ્લાના મહેરના કલાન ગામના અમ્રિક સિંઘના દીકરા જગરૂપસિંહના લગ્ન જાસ્મિન કૌર સાથે ૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ થયા હતા, જે ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ સુધી સાસરીમાં રહી હતી.
૨૦ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ આરોપી જાસ્મિન સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગઈ હતી, અને તેનો પતિ જગરૂપસિંહ ખુદ તેને એરપોર્ટ મૂકવા ગયો હતો. કેનેડા જવા નીકળેલી જસ્મિને ત્યારે સાસરિયાને એવી વાત કરી હતી કે તે ત્યાંથી પણ નિયમિત તેમના સંપર્કમાં રહેશે, અને વહુ પર વિશ્વાસ મૂકીને સાસરિયા બે વર્ષ સુધી તેની લાખો રૂપિયા ફી પણ ભરતા રહ્યા હતા.
જાેકે, આ દરમિયાન જાસ્મિનના પતિ કે પછી તેના સાસરિયાનો તો કેનેડા જવાનો મેળ નહોતો પડ્યો, પરંતુ જાસ્મિને તેની માને કેનેડા બોલાવી લીધી હતી અને ત્યારથી જ જાસ્મિન અને તેના સાસરિયા વચ્ચે ડખા શરૂ થયા હતા.
બે વર્ષ સુધી પત્નીને કેનેડામાં ભણાવ્યા બાદ જગરૂપસિંહને એમ હતું કે તે પણ થોડા સમયમાં ડિપેન્ડન્ટ વિઝા પર કેનેડા પહોંચી જશે, પરંતુ જાસ્મિન કૌરે પતિને કેનેડા બોલાવવાનું તો દૂર, તેની સાથે વાત કરવાનું પણ સદંતર બંધ કરી દીધું હતું. વહુની નિયત જાણી ગયેલા તેના સસરાએ આખરે જુલાઈ ૨૦૨૧માં તેની સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જાસ્મિન સામે ફરિયાદ નોંધાઈ હોવાથી તે જાન્યુઆરી ૨૦૨૩માં ઈન્ડિયા પાછી આવી ત્યારે દિલ્હી એરપોર્ટ પર જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જાસ્મિનની ધરપકડની જાણ તેના સાસરિયાને પોલીસે ફોન કરીને કરી હતી. જાસ્મિનના સસરા અને આ કેસના ફરિયાદી અમ્રિક સિંઘનો આરોપ છે કે તેમણે વહુને કેનેડા મોકલવા અને તેને ભણાવવા માટે ૨૮ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો, જેના માટે તેમણે પોતાની જમીન પણ વેચી કાઢી હતી.
જાેકે, વહુએ કેનેડામાં પોતાનું ભણવાનું પૂરૂં થતાં જ અસલી રંગ બતાવતા સાસરિયા અને પતિ સાથે તમામ સંપર્ક કાપી નાખ્યા હતા. જાસ્મિનનો પતિ જગરૂપ સિંઘ હાલ ટેક્સી ચલાવે છે અને મહિને ૧૫-૨૦ હજાર રૂપિયાની સામાન્ય કમાણી કરે છે.
જાસ્મિન કૌર સામે તેના સસરાએ સદર રાયકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, તેની સામે આ પોલીસ સ્ટેશનમાં કલમ ૪૨૦ ઉપરાંત કલમ ૪૦૬ હેઠળ એપઆઈઆર નોંધી હતી, અને ત્યારબાદ તેની સામે લૂકઆઉટ નોટિસ પણ ઈશ્યૂ કરાઈ હતી.
મલતબ કે ઈન્ડિયાના કોઈપણ એરપોર્ટ પર જાસ્મિન કૌર લેન્ડ થાય તે સાથે જ તેની ધરપકડ થવાનું નિશ્ચિત હતું. પોલીસના જણાવ્યા અનુસાર, જાસ્મિન કૌર પોતાની બહેનના લગ્નમાં ભાગ લેવા માટે ૯ જાન્યુઆરીના રોજ તેના ભાઈ સાથે ઈન્ડિયા આવી હતી.
તેની સામે એલઓસી ઈશ્યૂ થયું હોવાથી દિલ્હી એરપોર્ટ પર ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ એટલે કે એફઆરઆરઓ દ્વારા જાસ્મિનની અટકાયત કરવામાં આવી હતી, જેની જાણ પંજાબ પોલીસને કરવામાં આવતા પોલીસે એરપોર્ટ પહોંચીને જાસ્મિનની વિધિવત ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર કર્યા બાદ જેલના હવાલે કરી હતી.
આ કેસની તપાસ કરી રહેલા એએસઆઈ ગુરસેવક સિંઘે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જાસ્મિન કૌરને અરેસ્ટ કર્યા બાદ ૧૦ જાન્યુઆરીએ તેને કોર્ટમાં હાજર કરીને એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટના ઓર્ડર અનુસાર જાસ્મિનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. રિમાન્ડ દરમિયાન જાસ્મિને એ વાતની પણ કબૂલાત કરી હતી કે તેના સાસરિયાએ કેનેડામાં તેને ભણાવવા માટે ૧૪ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.
પોલીસનું એમ પણ કહેવું છે કે કેનેડા ગયા બાદ જાસ્મિન કૌર તેના પતિ સાથે કોઈ સંબંધ રાખવા નહોતી માગતી, તેણે કેનેડામાં પોતાનો પાસપોર્ટ પણ રિન્યૂ કરાવ્યો હતો જેમાં તેના પતિના નામનો ઉલ્લેખ સુદ્ધા નહોતો કરાયો.
જાસ્મિનના પતિ જગરૂપસિંહનું કહેવું છે કે જાસ્મિન સામે સખ્ત કાર્યવાહી થવી જાેઈએ, જેથી બીજી કોઈ યુવતી વિદેશ જવા સાસરિયાને લાખો રૂપિયાનો ચૂનો લગાવવા ઉપરાંત પતિને દગો આપવાની હિંમત ના કરે. SS2SS