વોન્ટેડ આરોપીઓ માથે સરકારે ૨૦ હજારથી એક લાખના ઇનામ જાહેર કર્યાં
અમદાવાદ, ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે પોલીસ રીઢા, વોન્ટેડ અને ભાગેડું ગુનેગારોને ઝડપી લઇ જેલ ભેગા કરી દેવાની કવાયતમાં લાગી ગઇ છે. ત્યારે જ વીસેક દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ૨૯ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એસઓજી દ્વારા પણ ઘણા ગુનેગારોને ઝડપી લેવાયા છે. હવે વર્ષોથી પ્રોહિબિશનના ગુનામાં પોલીસના હાથમાં નહીં આવતાં ગુનેગારોનો ઝડપી લેવા માટે સરકાર દ્વારા તેમના માથે ચોક્કસ ઇનામની જાહેરાત કરી છે.
આવા રીઢા ગુનેગારોને માથે સરકારે ૨૦ હજારથી લઇને એક લાખના ઇનામની જાહેરાત કરી દીધી છે. એટલે કે રીઢા ગુનેગારોની વિગતો પોલીસને આપનાર અથવા તો તેને પોલીસના હાથે પકડાવી દેનારને રોકડ ઇનામ આપવામાં આવશે.
આ ઇનામ અંગે સત્તાવારી જાહેરાત કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસીપી કે. ટી. કામરીટાએ જારી કરેલી પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં રાજસ્થાન, હરિયાણા તથા પંજાબમાંથી દારૂ સપ્લાય કરવામાં આવે છે.
ત્યારે જ્યારે દારૂ પકડાયો હોય અને જેમના નામ ખુલ્યા હોય તેવા રીઢા બૂટલેગરો કે દારૂના સપ્લાયરોને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે પરંતુ આવા તત્ત્વો સતત ભાગતા રહેતા હોવાથી તેમને ઝડપી લેવા મુશ્કેલ થઇ પડ્યા છે.
આવા રીઢા ગુનેગારોને પોલીસ નાગરિકોની મદદથી ઝડપી શકે તેના માટે સરકાર દ્વારા તેમના માથે રોકડ ઇનામની જાહેરાત કરી છે. જેથી રાજ્યના નાગરિકો તેમની મહીતી પોલીસને આપી રોકડ ઇનામ મેળવી શકે.SS1MS