સરકારે ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા પુરવઠામાં વધારો કર્યો
નવી દિલ્હી, સરકારે જણાવ્યું છે કે, દિલ્હીના કિશનગંજ રેલવે સ્ટેશને ૮૪૦ ટન ડુંગળીનો જથ્થો પહોંચ્યો છે. કેન્દ્રએ ભાવને કાબૂમાં રાખવા માટે રેલવે દ્વારા ડુંગળીનો પુરવઠો વધારવાની નીતિ અપનાવી છે. અગાઉ ૨૦ ઓક્ટોબરે ‘કંડા એક્સપ્રેસ’ દ્વારા ૧,૬૦૦ ટન ડુંગળી દિલ્હી પહોંચી હતી.
નાફેડે પ્રતિ કિગ્રા રૂ.૩૫ના ભાવે ડુંગળીના રિટેલ વેચાણ માટે જથ્થો છૂટો કર્યાે છે.દિલ્હીમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિગ્રા. રૂ.૬૦-૮૦ છે ત્યારે સરકારે પહેલી વખત ડુંગળીના સપ્લાય માટે રેલવેનો ઉપયોગ શરૂ કર્યાે છે. નાફેડે અગાઉ ૨૬ ઓક્ટોબરે ૮૪૦ મેટ્રિક ટન ડુંગળી ચેન્નાઇ પહોંચાડી હતી.
જ્યારે બુધવારે ગુવાહાટી માટે ૮૪૦ મેટ્રિક ટન ડુંગળીનું કન્સાઇન્મેન્ટ નાશિકથી રવાના કરાયું હતું. સરકારે રવી સિઝન માટે ૪.૭ લાખ ટનનો બફર સ્ટોક ઊભો કર્યાે છે. પાંચ સપ્ટેમ્બરથી રિટેલ અને બલ્ક ચેનલ્સ દ્વારા પુરવઠો વધારવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
નિવેદનમાં જણાવ્યા અનુસાર “રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા નાશિક અને અન્ય કેન્દ્રોથી ૧.૪૦ લાખ ટન જથ્થો રવાના કરાયો છે.”ધ નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુ. ફેડરેશન (એનસીસીએફ) ૨૨ રાજ્યના ૧૦૪ સ્થળ સુધી પહોંચે છે. જ્યારે નાફેડ ૧૬ રાજ્યમાં બાવન સ્થળને આવરી લે છે. એજન્સીઓએ પ્રતિ કિગ્રા રૂ.૩૫ના ભાવે ડુંગળી વેચવા સફલ, કેન્દ્રીય ભંડાર અને રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરી છે.
વધુમાં નવા રાજ્ય સરકાર અને સહકારી મંડળીઓને ૮૬,૫૦૦ ટન ડુંગળીની ફાળવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના પગલાને કારણે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને દિલ્હી સહિતના રાજ્યોમાં ડુંગળીના ભાવની સ્થિરતા જાળવી શકાઈ છે.SS1MS