ફ્લાઇટમાં બોંબની શ્રેણીબદ્ધ ધમકીઓ પછી સરકારે નવી ગાઇડલાઇન જારી કરી
નવી દિલ્હી, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્લાઇટ્સમાં બોંબની શ્રેણીબદ્ધ ખોટી ધમકીઓ પછી સરકારે નાગરિક ઉડ્ડયન સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ માટે નવી માર્ગરેખાઓ જારી કરી છે.
નવી ગાઇડલાઇન મુજબ બોંબની ધમકીની ગંભીરતાની વિચારણા કરતી વખતે એજન્સીઓ સોશિયલ મીડિયામાં ખોટા નામ અથવા બેનામી એકાઉન્ટ, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિનું વિશ્લેષણ અને ફ્લાઇટ્સમાં વીઆઈપીની હાજરી જેવા નવા માપદંડ ધ્યાનમાં રાખશે.
છેલ્લાં બે સપ્તાહમાં આશરે ૫૧૦ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં બોંબની ખોટી ધમકીઓ પછી બ્યૂરો ઓફ સિવિલ એવિયેશનને નવી ગાઇડલાઇન જારી કરી છે.
વર્તમાન પ્રથા મુજબ બોમ્બના ખતરાનું વિશ્લેષણ કરવા માટે નિયુક્ત એરપોર્ટ પર બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક બોલવામાં આવે છે અને તે ધમકીને ગંભીર અથવા ખોટી ધમકી જાહેર કરે છે.
આ સમિતિમાં બીસીએએસ, સીઆઈએસએફ સ્થાનિક પોલીસ, એરપોર્ટ ઓપરેટર અને એરલાઇનના અધિકારીઓ અને કેટલીક અન્ય એજન્સીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
નવી ગાઇડલાઇન મુજબ આ સમિતિ ધમકીઓનું મૂલ્યાંકન કરવા તથા સોશિયલ મીડિયા પર જારી કરાયેલી ધમકીઓની વિશ્વસનીયતા અને ગંભીરતા નક્કી કરવા માટે બહુસ્તરીય અભિગમ અપનાવશે.
સમિતિ ધમકીઓની વિશ્વસનીયતા નક્કી કરતાં પહેલા કેટલીક વધુ માહિતી પણ મેળવશે અને આ પછી ધમકી ગંભીર છે કે ખોટી છે તે નક્કી કરશે. જો ધમકી ગંભીર હશે તો સિક્યોરિટી પ્રોટોકોલ અમલી બનશે, તે મુજબ વિમાનને ડાઇવર્ટ કરાશે, તેને આઇસોલેશન-બે પર મોકલવામાં આવશે તથા તેનું સંપૂર્ણ ચેકિંગ કરાશે.
દિલ્હીથી ઈંદોર-મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોંબની ધમકી આપવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. એર ઈન્ડિયાના ડ્યુટી મેનેજરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, કોઈ અજાણ્યાં શખ્સ દ્વારા માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ‘એક્સ’ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-૬૩૬માં પાઈપ બોંબ મુકાયો હોવાની ધમકી પોસ્ટ કરી હતી. જોકે પોલીસ તપાસમાં કંઈ જ વાંધાજનક મળ્યું નહોતું.SS1MS